હિંમતનગર: પ્રાંતિજમાંથી લીંગ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિમતનગર-પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગને પ્રાંતિજના તબીબ ગર્ભનું લીંગ પરીક્ષણ કરતાં હોવાની મળેલી માહિતીને પગલે ગાયત્રી ગાયનેક  હોસ્પિટલના તબીબ એન.કે. ડેરીયાના દવાખાને ગર્ભવતી મહિલાને મોકલી મંગળવારે રૂ.6 હજાર એડવાન્સ આપી બુધવારે બાકીના રૂ.9 હજાર લઈ લીંગ પરીક્ષણ કરતાં તબીબને રંગે હાથે ઝડપી પાડતાં જિલ્લામાં તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. તબીબનું સોનોગ્રાફી મશીન સીલ કરવા સહિત સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન પણ સસ્પેન્ડ કરી નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

 

સોનોગ્રાફી મશીન સીલ, સોનોગ્રાફીનું લાયસન્સ સસ્પેન્ડ
પ્રાંતિજ અેપ્રોચ રોડ પર આવેલ ગાયત્રી ગાયનેક હોસ્પિટલના તબીબ એન.કે. ડેરીયા ગર્ભ પરીક્ષણ કરતાં હોવાની જિલ્લા આરોગ્ય વિભાગને માહિતી મળતા એક ગર્ભવતી મહિલાને મંગળવારે  તબીબના દવાખાને મોકલી લીંગ પરીક્ષણ કરવાની વાત કરતા તબીબે રૂ.15 હજાર નક્કી કરી રૂ.6 હજાર એડવાન્સ લીધા હતા અને બુધવારે મહિલા ફરીથી દવાખાને પહોંચી હતી અને ડૉ એન. કે. ડેરિયાએ રિપોર્ટ સારો છે બાબો છે કહી લીંગ પરીક્ષણ કરી આપી રૂ.9 હજાર લેતાં જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી, હિંમતનગર ટી.એચ.ઓ.જયેશ પરમાર પ્રાંતિજ પી.આઈ.ચાવડા અંદર ધસી આવ્યા હતા અને તબીબને ઝડપી પાડ્યો હતો.

 

ફોર્મ એફ રજીસ્ટર, સોનોગ્રાફી પાવતી,સોનોગ્રાફી રજીસ્ટર, કેમેરાના ફૂટેજ કબ્જે લીધા

 

છટકામાં થયેલ ઓડીયો અને વિડીયોગ્રાફીમાં તબીબ દર્દી પાસેથી રૂ. 15 હજાર સ્વીકારતા અને બાળકનું જાતિ ઓળખી બતાવતા સ્પષ્ટ પણે જોવા મળ્યા હતા.  આરોગ્ય વિભાગની ટીમે ગર્ભ પરીક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી સોનોગ્રાફી મશીન સહિત ગર્ભપરીક્ષણ સાથે ઉપયોગમાં લેવાયેલ સાધનો સીલ કરી દેવામાં આવ્યા હતા. આ ડોક્ટરે આ અગાઉ આવા ગર્ભપરીક્ષણો કર્યો હતા કે કેમ તેની પણ  સોનોગ્રાફી મશીન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

બે વર્ષમાં 12 સ્થળે આરોગ્ય વિભાગે રેડ કરી
સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે થતાં ગર્ભ પરીક્ષણની ફરિયાદોને લઇ છેલ્લા બે વર્ષમાં 12 સ્થળે લીંગ પરીક્ષણની તપાસ કરાઇ છે. જેમાં 8 સ્થળે જિલ્લા ઓગ્ય વિભાગે જ્યારે 4 સ્થળે રાજસ્થાન પોલીસે રેડ કરી હતી.

 

નોટિસ આપી બે દી'માં ખુલાસો માગ્યો
ડૉ. મનીષ ફેન્સીએ જણાવ્યું કે, તબીબનું સોનોગ્રાફી મશીન સીલ કરવા સહિત સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તથા ફોર્મ એફ રજીસ્ટર, સોનોગ્રાફી પાવતી,સોનોગ્રાફી રજીસ્ટર, સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરે કબજે લઈ પીસીએન્ડપીએનડીટી એક્ટની કલમ 4.3,5,6,6.3 અંતર્ગત નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...