તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠાઃ નિઃશુલ્ક વિતરણ માટેનાં 3 લાખના પુસ્તકો 20 હજારમાં પસ્તીમાં વેચી માર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા: રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ગરીબ અને પછાત વર્ગનાં બાળકો માટે નિ:શુલ્ક વિતરણ માટે ફાળવેલા ધો.1થી 10ના 3 ટન જેટલા પાઠ્યપુસ્તકો પસ્તીમાં વેચી મારવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. ખેડબ્રહ્મા આદિજાતિ વિકાસ સેવાસદનને મોકલાયેલાં પાઠ્ય પુસ્તકો અમદાવાદની શાહીબાગ પોલીસે પસ્તીવાળાના ગોડાઉનમાંથી જપ્ત કરતાં હાથ ધરાયેલી તપાસમાં આ કારનામા બહાર આવ્યા હતા. બીજી બાજુ પાઠ્ય પુસ્તકોનો આ જથ્થો ખેડબ્રહ્માની આશ્રમશાળામાંથી ભરાયો હોવાનું બહાર આવતાં સ્થાનિક આશ્રમશાળા અધિકારીએ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્યને નોટિસ આપી 24 કલાકમાં લેખિત ખુલાસો કરવા સૂચના આપી છે.
- ખેડબ્રહ્મા તાલુકામાં ગરીબ બાળકોને વિનામૂલ્યે આપવાના 3 ટન પુસ્તકો જપ્ત
- ખેડબ્રહ્માના વેપારીએ રૂપિયા 40 હજારમાં અમદાવાદના વેપારીને વેચી માર્યા
અમદાવાદ શાહીબાગ પોલીસને 19મીએ બાતમી મળી હતી કે ચમનપુરાના સંતોષી માતાના મંદિર પાસે આવેલા પારસ પસ્તી ભંડાર પાસે ઊભેલા ટ્રકમાંથી કેટલોક શંકાસ્પદ સામાન ઊતરી રહ્યો છે. આથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં સીલબંધ આશરે 3 લાખની કિંમતનો ધોરણ 1થી 10ના તમામ વિષયના પાઠ્યપુસ્તકોના સેટ મળી આવ્યા હતા. આથી પોલીસે પાઠ્યપુસ્તક મંડળનો સંપર્ક સાધતાં પાઠ્યપુસ્તક મંડળે ગરીબ બાળકોને અભ્યાસ અર્થે મફતમાં વિતરણ કરવામાં આવતાં ધોરણ 1થી 10ના તમામ વિષયના પુસ્તકોનો સેટ ખેડબ્રહ્મા આદિજાતિ વિકાસ સેવાસદન અધિકારીની ઓફિસ નંબર-18ને મોકલી આપ્યો હતો અને ત્યાંથી ખેડબ્રહ્માની ઉત્તર બુનિયાદી આશ્રમશાળા સ્થાનિક 20 જેટલી શાળાનાં બાળકોને આ પાઠ્યપુસ્તકો આપતી હોય છે તેમ જાણવા મળ્યું હતું.

આથી પોલીસે તે દિશામાં હાથ ધરેલી તપાસમાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાંથી ખેડબ્રહ્મામાં ‘પટણી બ્રધર્સ’ નામથી પસ્તીનો વેપાર કરતા વેપારીએ આ પુસ્તકોનો જથ્થો રૂ.20 હજારમાં ખરીદ્યો હતો અને અમદાવાદના ભંગારીયાઓને ‘પટણી બ્રધર્સ’ના વેપારીએ રૂ.40 હજારમાં વેચી માર્યો હતો. પાઠ્યપુસ્તકોનો આ જથ્થો ભંગારીયાઓએ ચમનપુરાના પારસ પસ્તી ભંડારને વેચાણ માટે મોકલી આપ્યો હતો. જ્યાંથી પોલીસે પુસ્તકોના સીલબંધ સેટ પકડી પાડ્યા હતા. પોલીસે ટ્રકચાલકની પૂછપરછ કરતાં આ કૌભાંડ ખુલ્યું હતું. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.
ટ્રકચાલકની પૂછપરછમાં સરકારી પુસ્તકો બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું
- આશ્રમશાળાને નોટિસ, 24 કલાકમાં ખુલાસો કરો

જિલ્લાની તમામ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના ધોરણ-1થી 9ના પુસ્તકો ખેડબ્રહ્મા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના ગોડાઉનમાં ઉતારાય છે અને ત્યાંથી 65 આશ્રમશાળામાં અપાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પુસ્તકોનો ટ્રક પકડાયાની ફરિયાદ નોંધાતાં ખેડબ્રહ્મા આશ્રમશાળા અધિકારી બાબુભાઇ ફુલાભાઇ ચૌધરી સેવાનિકેતનમાં રૂબરૂ પહોંચી ગયા હતા અને આશ્રમશાળાના આચાર્ય રાઠોડ બલવંતસિંહ હિંમતસિંહને 24 કલાકમાં વિતરણ કરેલ પુસ્તકોનો લેખિત અહેવાલ સુપરત કરવા નોટિસ આપી હતી. અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.

ખેડબ્રહ્મા સેવાનિકેતન ટ્રસ્ટ અને ખુદ આશ્રમશાળા અધિકારી જ શંકાના દાયરામાં

ખેડબ્રહ્મા આશ્રમશાળા અધિકારી બી.એફ.ચૌધરીએ 25મી ફેબ્રુઆરીના રોજ આશ્રમશાળાના આચાર્યોની મિટિંગ બોલાવી હતી અને તેમાં પુસ્તકોની પાવતીઓ મેળવી હોવાનું જાણવા મળ્યું છે. પુસ્તકોનો ટ્રક પણ ગુરુવારે ભરાયો હતો અને આચાર્યોની મિટિંગ પણ તેજ દિવસે મળી હતી. રેકર્ડ પૂરેપૂરું તૈયાર કર્યા પછી ટ્રક ભરાયો હોવાનું મનાય છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક આચાર્યોએ પુસ્તકો ઓછા મળ્યા હોવા છતાં પુરા પુસ્તકો મળ્યાની પહોંચ લખી આપી હતી તથા કેટલાક આચાર્યોએ પહોંચ લખી આપવાની ના પાડી હતી.
અન્ય સમાચારો પણ છે...