શામળાજી: ખાતરની બેગોની આડમાં લવાતો 12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી: શામળાજી નજીક આવેલા ભવાનપુર પાસેથી પોલીસે ગુરૂવારે વહેલી સવારે રાજસ્થાન બાજુથી એક કન્ટેનરમાં ખાતરની બેગોની આડમાં સંતાડી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતી 3,000 બોટલ ટીન વિદેશી દારૂ કિંમત રૂા.12 લાખનો ઝડપી લીધો છે. ત્યારબાદ પોલીસે દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂા.22.41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતા બે શખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
શામળાજી પોલીસના જણાવ્યા પ્રમાણે, જિલ્લા પોલીસવડા કે.એન.ડામોરની સૂચના પ્રમાણે એસઓજી પોલીસ મોડાસા તેમજ શામળાજી પી.એસ.આઇ. આર.ડી.સગર તેમના સ્ટાફ સાથે ગુરૂવારે વહેલી સવારે શામળાજીથી મોડાસા તરફના સ્ટેટ હાઈવે રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં ભવાનપુર પાસેથી પસાર થઇ રહેલી કન્ટેનર નં.આરજે-14-જીસી-8232 શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઉભી રખાવી હતી. 

ત્યારબાદ આ ટ્રકમાં તપાસ હાથ ધરતા તેમાં ઉજવલા ખાતરની થેલીઓ નીચે સંતાડી ભરેલી 3000 બોટલ ટીન વિદેશી દારૂ કિંમત રૂા.12 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો તેમજ કન્ટેનર સહિત રૂા.22,41,500નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા વિક્કી વિરેન્દ્રસીંગ યાદવ અને વિનોદસીંગ સુરેન્દ્રસીંગ યાદવ (રહે.હરિયાણા) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો હરિયાણા થી અમદાવાદ લઇ જવાતો હતો
આ અંગે વધુ માહિતી આપતા શામળાજી પી.એસ.આઇ. આર.ડી.સગરે જણાવ્યું હતું કે, આ દારૂના જથ્થા સાથે પકડાયેલા બે શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો જથ્થો હરિયાણાથી રાકેશ શર્મા નામના શખ્સે ભરી આપ્યો હતો અને અમદાવાદ ખાતે પહોચાડવાનો હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...