લાલપુર પાસે ટ્રક-કાર અથડાતાં ત્રણનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિસનગરના ગોઠવા ગામ તરફથી હિંમતનગર આવતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જા‍યો
- ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા: મૃતકોમાં બે મોડાસાના ડુગરવાડા અને એક વિસનગરના ગોઠવા ગામના વ્યક્તિ


હિંમતનગર તાલુકાના વિજાપુર રોડ પર આવેલા લાલપુર ગામ નજીક બુધવારે સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં બે જણાના ગંભીર ઇજાને કારણે મોત નીપજયા હતા. તેમજ અકસ્માતમાં ઘવાયેલા અન્ય ચાર જણાને સારવાર માટે ૧૦૮ દ્વારા હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન વધુ એક ઇજાગ્રસ્તનું મોત નીપજયુ હતું. બનાવ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરથી વિજાપુર રોડ પર સાત કિ.મી. દૂર આવેલા લાલપુર ગામ નજીકના વળાંક પરથી બુધવારે સવારે પસાર થઇ રહેલી વિસનગર તાલુકાના ગોઠવા ગામ તરફથી હિંમતનગર આવતી મારૂતી કાર નંબર જીજે.૧.કે.૩૧૧૭ ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે સામેથી આવતી ટ્રક નંબર જીજે.૯.એકસ.૯૭૬૨ સાથે કાર અથડાઇ ગઇ હતી. જેમાં મારૂતીમાં જઇ રહેલ છ જણાને ગંભીર ઇજા થતા તે પૈકી બેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.