MBAના વિદ્યાર્થીની ફીના 26,500 ગઠીયો કાતરી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકામાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ હોવાથી ગઠિયાઓ અને નિશાચરોને મોકળુ મેદાન મળી રહ્યુ છે. ઘણા વખતથી ઇડરમાં થતા ચોરી અને છેતરપિંડીના બનાવોએ માઝા મૂકી છે છતાં પોલીસ તંત્ર આવા તત્વોને પકડી શકતી નથી. દરમિયાન સોમવારે ખોડમ ગામનો વિદ્યાર્થી હિંમતનગર ભણતો હોવાથી ફી ભરવા માટે પોતાના ઘરેથી રૂા.૨૬,પ૦૦ લઇને ખોખરાથી અમદાવાદ જતી બસમાં બેસવા ઇડર બસ સ્ટેન્ડમાં જઇ બસમાં ચઢતો હતો ત્યારે એક ગઠિયાએ તેના ખિસ્સામાંથી રૂ.૨૬,પ૦૦ ની રકમ સેરવી લીધી હતી. જે અંગે પોલીસને જાણ કરાઇ હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ખોડમ ગામના રાજદીપસિંહ કરણસિંહ રાઠોડ હિંમતનગરની ગ્રોમોર કોલેજમાં એમ.બી.એ. શાખામાં ભણતો હતો.

જેથી તેને સોમવારે ફી ભરવાની હોવાથી પોતાના પિતા પાસેથી રૂ.૨૬,પ૦૦ લઇને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ રાજદીપસિંહ હિંમતનગર જવા ઇડર બસ સ્ટેન્ડમાં આવીને ખોખરાથી અમદાવાદ જતી બસમાં ચઢવા જતો હતો. પરંતુ બસમાં ભારે ભીડનો લાભ લઇને એક અજાણ્યો શખ્સ રાજદીપસિંહના પેન્ટના પાછળના ખિસ્સામાંથી ફી ભરવાના નાણાં સેરવીને પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ આ વિદ્યાર્થીને ખબર પડતા તેણે તરત જ ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.