પોશીનાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્ર મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન
પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે સાબરમતી અને આકળ વાકળ નદીના પવિત્ર ત્રિવેણી સંગમ તટે આવેલ ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો ગુરુવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
ગુણભાંખરી ખાતે આવેલ ત્રિવેણી સંગમ સ્થળે ચાલેલ બે દિવસીય મેળામાં આદિવાસી સમાજના યુવાન યુવક યુવતીઓ વિવિધ પોશાકમાં સજ્જ થઈ મેળામાં ચકડોળ તથા અન્ય મનોરંજન માટે ઉભા કરાયેલા સ્થળોની મુલાકાત લઈ મેળામાં વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. બીજી તરફ રાત્રે નદીના પટમાં આદિવાસી પરિવારોએ મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરી એકબીજાને ગળે મળી શોક મનાવ્યો હતો. બીજી તરફ ચિત્ર-વિચિત્ર મંદિરના સાનિધ્યમાં રાત્રે ભજન કીર્તન કર્યા હતા અને રાત્રે ધાર્મિક ક્રિયા માટે આવતા લોકોની સંખ્યા વધુ જોવા મળી હતી પરંતુ તેઓ ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ વહેલી સવારે પરત જતા રહ્યા હોય સવારે મેળામાં બપોર સુધી લોકોની સંખ્યા નહિવત જોવા મળી હતી જ્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા બંદોબસ્ત તથા પેટ્રોલિંગ કરાતાં મેળામાં અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તસવીર-વિક્રમસિંહ ચૌહાણ