પાટણમાં રવિ સિઝનમાં ઘઉંના બિયારણની અછત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લામાં ૪૩૦૦૦ હેક્ટરમાં ઘઉંનીખેતી થાય છે : પરંતુ સંઘોની માગણી મુજબનું બિયારણ મળ્યું નથી
- ખેડૂતોને પ્રમાણિત બિયારણ માટે ફાંફા મારવા પડે છે
શિયાળાની ઠંડીનો ચમકારો શરૂ થતાં જ પાટણ જિલ્લામાં ખેડૂતોએ ઘઉંના વાવેતરનો પ્રારંભ કરી દીધો છે. પરંતુ સિઝનની શરૂઆતથી જ બીજ નિગમ અને ગુજકોમાસોલ દ્વારા વિવિધ સંસ્થાઓને પૂરતા પ્રમાણમાં ઘઉંનું બિયારણ ફાળવવામાં ન આવતાં ઘઉંના બિયારણમાં અછતની સ્થિતિ ઉભી થવાના અણસારો સાંપડી રહ્યાં છે.
જિલ્લામાં રવિ સિઝનમાં ૪૩ હજાર હેક્ટર આસપાસ ઘઉંની ખેતી થાય છે. કેનાલોમાં નર્મદાના પાણીથી સિંચાઇની સગવડો ઉદ્ભવતાં સમયાંતરે જિલ્લામાં ઘઉંના વાવેતરનો વ્યાપ વધી રહ્યો છે. આ વખતે પણ ખેતરોમાંથી ખેડૂતોએ ગવાર અને કપાસનો પાક લઇ લેતાં ખાલી પડેલા ખેતરોમાં ખેડૂતો ઘઉંની ખેતી કરે તેવી શક્યતાઓ હોવાથી વાવેતર વિસ્તાર પણ વધી શકે તેમ છે. સમી, રાધનપુર અને સાંતલપુર પંથકમાં ઘઉંના વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. પરંતુ સિઝનની શરૂઆતથી જ બીજ નિગમ અને ગુજકોમાસોલ દ્વારા જિલ્લાની વિવિધસંસ્થાઓને માગણી પ્રમાણે પૂરતુ ઘઉંનું બિયારણ ફાળવામાં આવ્યું ન હોવાથી ખેડૂતોને પ્રમાણિત બિયારણ માટે ફાંફા મારવા પડે અને અછતની સ્થિતિ ઉભી થાય તેવાં અણસારો સાંપડી રહ્યાં છે.
- સિઝનમાં પ૧૬ ટન ઘઉંના બિયારણની જરૂરિયાત રહે
ખેતીવાડી તંત્રના સૂત્રોના માનવા પ્રમાણે જિલ્લામાં ૪૩ હજાર હેક્ટર આસપાસ ઘઉનું વાવેતર થાય છે. વાવેતર માટે એક હેક્ટરે ૧ર૦ કિલો જેટલા બિયારણની જરૂરીયાત રહે છે. સિઝનમાં પ૧૬ ટન બિયારણની જરૂરીયાત ઉભી થઇ શકે છે. જેમાંથી માત્ર ૩૦ ટકા ખેડૂતો પણ પ્રમાણિત બિયારણનો ઉપયોગ કરે તો પણ ર૦૦ ટન આસપાસ બિયારણની જરૂરીયાત રહે છે.
- ખેડૂતોને મોંઘુ બિયારણ ખરીદવું પડશે
ખેડૂતોને બીજ નિગમ કે ગુજકોમાસોલનું બિયારણનો પૂરતો જથ્થો ન મળે તો પ્રાઇવેટ કંપનીઓનું મોંઘુ બિયારણ ખરીદવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. બીજ નિગમ અને ગુજકોમાસોલનું બિયારણ ખેડૂતોને રૂ. ૧૧૦૦ રૂપિયે ૪૦ કિલોના ભાવે આપવામાં આવે છે. જ્યારે પ્રાઇવેટ કંપનીઓના બિયારણના રૂ. ૧૩૦૦ આસપાસના ભાવ લેવામાં આવે છે.
- માગણી પ્રમાણે બિયારણની ફાળવણી થઇ નથી
જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર સુરપાલસિંહે જણાવ્યું હતું કે, બીજ નિગમ અને ગુજકોમાસોલ પાસે ૧ર૦૦થી ૧૩૦૦ કટ્ટાની માગણી કરવામાં આવી છે તેની સામે માત્ર ૨પ૦ કટ્ટા બિયારણ આપવામાં આવ્યું છે. હાલમાં સરકારની યોજનાઓમાં આપવા પૂરતો બિયારણનો સ્ટોક છે. ખેડૂતોને મોટા જથ્થામાં બિયારણનું વિતરણ કરી શકાય તેમ નથી.
- ઘઉંના બિયારણની અછત ઉભી થશે
પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દશરથભાઇ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે બીજ નિગમ અને ગુજકોમાસોર્લ પ૦૦૦ મણ બિયારણનું વેચાણ થાય છે. આ વખતે કપાસ નિષ્ફળ જતાં અને પાણી સુવિધાઓ વધતાં ઘઉંનુ વાવેતર વધશે. તેથી ૭૦૦૦થી ૮૦૦૦ મણ બિયારણની જરૂરીયાત છે. બંને સંસ્થાઓ પાસે માગણી પણ કરેલી છે. પરંતુ હજુ સુધી માંડ ૧પ૦૦ મણ બિયારણ આપવામાં આવ્યું છે. આ બાબતે ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇનું પણ ધ્યાન દોરવાનું આવ્યું છે.