રાધનપુર-સાંતલપુરના ૧૨૯ ગામોમાં બે દિવસ પાણીકાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાંતલપુર જતી મુખ્ય પાઇપલાઇનને વારાહી હેડવક્ર્‍સને જોડતી પાઇપલાઇન નવી નાખવાની હોઇ પાણી નહીં મળે

રણકાંઠે આવેલા રાધનપુર-સાંતલપુર પંથકમાં આગ ઓકતી ગરમીથી આખો વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે તેવા સંજોગોમાં રાધનપુર શહેર સહિ‌ત આ વિસ્તારના ૧૨૯ ગામોમાં સતત બે દિવસ માટે લોકોને પાણી પુરવઠો નહીં મળે. રાણકપુરથી સાંતલપુર જતી પાણીની મુખ્ય લાઇન સાથે વારાહી હેડવક્ર્‍સથી નવીન મોટી લાઇન જોડવાની હોવાથી આ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના નાના રણને અડીને આવેલા રાધનપુર-સાંતલપુર પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી આકાશમાંથી અગનગોળા ફેંકાઇ રહ્યાં છે.
ચામડીને દઝાડે તેવી અસહ્ય ગરમીથી લોકો અને પશુ-પક્ષીઓ ત્રાહિ‌મામ પોકારી રહ્યાં છે તેવાં કપરા સંજોગોમાં પાણી પુરવઠા વિભાગે રાણકપુરથી સાંતલપુર જતી ૭૦ કિલોમીટરની લાંબી પાણીની પાઇપલાઇન સાથે વારાહી હેડવક્ર્‍સને જોડતી નવીન મોટી પાઇપલાઇન જોડવાનું કામ ઉભુ કરવામાં આવતાં આ વિસ્તારમાં રાધનપુરના પ૬ અને સાંતલપુરના ૭૩ ગામો મળી કુલ ૧૨૯ ગામો અને રાધનપુર શહેરમાં શુક્ર અને શનિવાર બે દિવસ માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેને પગલે આ વિસ્તારના લોકોએ પાણીનો સંગ્રહ રાખવો ખૂબ જરૂરી બન્યું છે.

આચારસંહિ‌તા નડી જતાં ભર ઉનાળે પાણી બંધ રાખવું પડયું : તંત્ર

રાધનપુર પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર બી.એચ.પટેલે જણાવ્યું હતું કે, ઉનાળા પહેલા પાઇપલાઇન બદલવાનું આયોજન કર્યું હતું. પરંતુ તેવામાં જ લોકસભાની આચારસંહિ‌તા આવી જતાં પાઇપ લાઇન બદલી શકાઇ નહતી. જેને પગલે શુક્રવારથી પાઇપલાઇન બદલવાનું કામ હાથ ધરવામાં આવશે.