પાટણઃ કૃષિમહોત્સવમાં ખેડૂતોને લાવવા વાહનો દોડાવવા પડે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રેક્ટર કે જીપ ભરીને ખેડૂતો લઇને આવે તેને ડીઝલ ખર્ચ આપવામાં આવે છે
- ૪પ ડિગ્રી ગરમી વચ્ચે મહોત્સવને ફારસરૂપ બનતો અટકાવવા તંત્રની મથામણ

દરવર્ષે કૃષિ મહોત્સવ ખેડૂતોની સંખ્યાની દૃષ્ટીએ ફારસરૂપ બની રહેતો હોય છે. વળી ચાલુ સાલે ૪પ ડિગ્રી તાપમાન વચ્ચે કૃષિ મહોત્સવનો આરંભ થયો છે ત્યારે ખેડૂતોને કાર્યક્રમ સ્થળે લાવવા લઇ જવા માટે વાહનો દોડાવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત કેટલાક દાતાઓના સહકારથી ભોજન પીરસવાનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તાના પગલે આ વખતે મોડે મોડે ભરઉનાળે શરૂ થયેલા કૃષિ મહોત્સવનો કૃષિ રથ પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. પરંતુ હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં કૃષિ રથ સાથે ખેડૂતોને રાખવા તંત્ર માટે લોઢાના ચણા ચાવવા બરાબર બન્યું છે.

કૃષિ મહોત્સવના સ્થળ પર આજુબાજુના ગામોમાંથી ખેડૂતોને લાવવા માટે ખેતીવાડી વિભાગને ટ્રેક્ટરો અને જીપો દોડાવવા પડે છે. ગ્રામ સેવકો કે વિસ્તરણ અધિકારીની સૂચનાથી જે વ્યક્તિ કૃષિ મહોત્સવના સ્થળ સુધી ટ્રેક્ટર કે જીપ સહિ‌તના વાહનોમાં ખેડૂતોને લઇને આવે તેને તંત્ર દ્વારા ડીઝલ ખર્ચ આપવામાં આવી રહ્યો છે. જોકે, તે પછી પણ ગરમીમાં ખેડૂતોને કૃષિ રથ સુધી લાવવામાં તંત્રના કર્મચારીઓને ભારે મહેનત કરવી પડી રહી છે તેવું માહિ‌તગાર સૂત્રોએ જણાવ્યું હતું.

કડીમાં મેગા ઇવેન્ટ કાર્યક્રમમાં ખેડૂતોને લઇ જવા ૬૦ એસટી બસ દોડાવાશે

આગામી ૩૧મેના રોજ કૃષિ મહોત્સવના ભાગરૂપે કડી ખાતે યોજાનારા રાજ્યકક્ષાના મેગા ઇવેન્ટ કાર્યક્રમમાં જિલ્લામાંથી પ૦૦૦ ખેડૂતોને લઇ જવા માટે ૬૦ એસટી બસો દોડાવવામાં આવનાર છે. તાલુકા પ્રમાણે ખેડૂતોની સંખ્યા અને તેની સામે એસટી બસની સુવિધા આપવાનું આયોજન ખેતીવાડી વિભાગે કર્યું છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.પી.ચૌહાણે જણાવ્યું હતું.

કૃષિ મહોત્સવમાં ભોજન સમારંભ પણ થાય છે

પાટણ જિલ્લાના ગામોમાં કૃષિ રથ જાય એટલે ગામના સરપંચ, ડેલિગેટ કે અગ્રણી દ્વારા કેટલાક ગામોમાં ધુમાડાબંધ રસોડુ કરવામાં આવે છે અને કૃષિ રથ સાથે આવેલા મહેમાનો તેમજ ખેડૂતોને ભોજન પણ કરાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને રાધનપુર વિસ્તારના ગામોમાં આવા ભોજન સમારંભ વધુ પ્રમાણમાં થતાં હોય છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.