• Gujarati News
  • University Professor In The Department Of Chemistry And Seniority. Bhadasa To Delete

કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં સિનિયોરીટી મામલે પ્રોફેસરે યુનિ. પર ભડાશ કાઢી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ.યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વડા ડૉ.. વોરા સામે નાણાંકીય ગેરરીતિ અનિયમિતાના આક્ષેપોને પગલે ચાર્જ પરત લઇને હંગામી ધોરણે ડૉ..ભસીનને વડા તરીકેનો ચાર્જ સોંપવાનો આદેશ કરાયો હતો. પરંતુ ઇસીના ઠરાવમાં હંગામી શબ્દ ન હોઇ હંગામી ચાર્જ સામે ડૉ..ભસીને વાંધો લેતાં છેવટે ડૉ..વોરાને યથાવત રાખવાનો યુનિવર્સિટીએ આદેશ કર્યો હતો. જેને પગલે યુજીસીના નોર્મ્સ પ્રમાણે સિનિયોરીટીમાં આવતાં હોવા છતાં યુનિવર્સિટી શા કારણે અમલવારી નથી કરતી તેવી ભડાશ ડૉ..ભસીને શુક્રવારે પ્રેસમિટમાં વ્યક્ત કરી હતી.

યુનિ.ના કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ..જે.જે.વોરા સામે ત્રણ વર્ષ પહેલા વિદ્યાર્થીઓની ફી, બ્રેકેટ ચાર્જ વગેરે મામલે ગેરરીતિ અને અનિયમિતાની ફરિયાદો થઇ હતી. જેની તપાસમાં આક્ષેપોને સમર્થન મળતાં યુનિવર્સિટી ઇસીએ ડૉ..વોરાનો ચાર્જ પરત લઇ વિભાગના ડૉ..સી.પી.ભસીનને સોંપવા ઠરાવ કર્યો હતો.

યુનિવર્સિટીના ઠરાવ અન્વયે ગત ૧૬ મેના રોજ ડૉ..વોરાને ચાર્જમાંથી મુકત કરી પ્રો. ડૉ..સી.પી.ભસીનને હંગામી ધોરણે અને કારોબારી સમિતિ અન્ય નિર્ણય ન કરે ત્યાં સુધી ચાર્જ સોંપવાનો આદેશ કા.કુલપતિ ડૉ..ડી.એમ.પટેલે કર્યો હતો. પરંતુ હંગામી ચાર્જ ડૉ..સી.પી.ભસીને ન સ્વીકારતાં કા.કુલસચિવ દ્વારા ૨૧ મેના રોજ કેમેસ્ટ્રી વિભાગમાં ડૉ..જે.જે.વોરાનો ચાર્જ યથાવત રાખવા કાર્યાલય આદેશ કરી દેવાયો હતો.

પરંતુ ડૉ..સી.પી.ભસીને તેઓ સિનિયોરિટીમાં આવતાં હોવા છતાં યુનિવર્સિટી અન્યાય કરી રહ્યાની લાગણી શુક્રવારે પ્રેસમિટમાં વ્યક્ત કરી હતી. ડૉ..વોરા કરતાં ચાર વર્ષ સિનિયર હોવા છતાં મને સિનિયોરિટી આપતા નથી. ત્રણ વર્ષમાં ૧૦ પત્ર લખ્યા છે. તેનો કોઇ જવાબ મળ્યો નથી, મારો શું વાંક? ચાર્જ લેવાની ના નથી પાડી પરંતુ સિનિયોરિટીમાં આવતો હોવા છતાં હંગામી ચાર્જ કેમ? અન્ય યુનિવર્સિટી યુજીસીની નોર્મ્સ પાલન કરે છે તો આ યુનિવર્સિટી કેમ નહીં તેવો સવાલ ખડો કર્યો હતો.

સિનિયોરિટીની રજૂઆત હાલ વડાના ચાર્જ સાથે સંકળાયેલ નથી : ઉપકુલપતિ
આ અંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ..નિંદતભાઇ બારોટે જણાવ્યું હતું કે, ડૉ..ભસીનની સિનિયોરિટીની રજૂઆત ચાર-પાંચ વર્ષ જૂની છે. વડાના ચાર્જ સાથે તે મુદ્દો સંકળાયેલ નથી. આક્ષેપોની તપાસમાં ડૉ..વોરાને વિવિધ મુદ્દે સાંભળવાની તક આપવામાં આવશે, તેમાં તેઓ નિર્દોષ કે દોષિત પણ સાબિત થાય, એટલે હાલ ડૉ..ભસીનને હંગામી ચાર્જ અપાયો હતો.