તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મા પાસે બહુચરાજી ત્રણ રસ્તા પરથી સુણસરના બે લુટારુ પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાટણ અને અમદાવાદ એલસીબીનું ઓપરેશન
- રૂ.૨.૧૯લાખના મુ્દ્દામાલ સાથે ઝડપી લેવાયા


બગોદરા હાઇવે પર થયેલી આંગડીયા પેઢીની ટ્રકની લૂંટમાં પાટણ જિલ્લાના સુણસર ગામના બે શખ્સોને પાટણ અને અમદાવાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રવિવારે ચાણસ્માના બહુચરાજી ત્રણ રસ્તા પરથી ૨.૧૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

તાજેતરમાં બગોદરા હાઇવે પર આંગડીયા પેઢીની ટ્રકની રૂ. ૬.૮૪ કરોડની માલમત્તા સાથે લૂંટ થયા બાદ ટ્રક ડીસા ખાતેથી મળી આવી હતી. આ ઘટનાની તપાસ અમદાવાદ એલસીબી પીઆઇ સંજય ચૌધરી કરી રહ્યા હતા. તે ઉપરાંત રાજ્યની અલગઅલગ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. બનાસકાંઠા અને પાટણ પોલીસ પણ એક્ટીવ હતી ત્યારે પાટણ એલસીબી પીઆઇ ડી.ડી.ચૌધરીને સુણસર ગામના શખ્સો આ લૂટમાં સંડોવાયા હોવાની બાતમી મળતાં તેમણે પોલીસ અધિક્ષક સૌરભ તોલમ્બિયાની દોરવણી હેઠળ અમદાવાદ એલસીબીના સહયોગથી ઓપરેશન ગોઠવ્યું હતું.

રવિવારે બપોરે સુણસર ગામના ઠાકોર ઝીણાજી ઉર્ફે હીબોલો અને ઠાકોર ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈઇલુ રંગુજી ચાણસ્મા હાઇવે પર બહુચરાજી ત્રણ રસ્તા આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ઝડપી લીધા હતા. તેઓની તલાસી લેતાં તેમની પાસેથી રૂ. ૨.૧૯ લાખની રોકડ સહિ‌તનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ શખ્સોએ બગોદરા હાઇવે પર ટ્રકની લૂંટની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બંને લુટારુને અમદાવાદ એલસીબી પોલીસે અટક કરી લૂંટના મામલામાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે અને બીજો મુદ્દામાલ ક્યાં છે. તે શોધી કાઢવા માટે આગળની તપાસ અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરી હતી.

કોણ ઝડપાયું
ઠાકોર ઝીણાજી ઉર્ફે હીબોલો
ઠાકોર ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈઇલુ રંગુજી