વાધણાની ઉમરદશી નદીમાં તણાતાં બે યુવાનોનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર -યુવાનો ડુબતા ઘટના સ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યાં)
- વરસાદે સિદ્ધપુર પંથકને ઘમરોળ્યો : ક્યાંક છાપરા તો ક્યાંક પતરાં ફંગોળ્યાં
- આઠ ઇંચ વરસાદથી શહેર-તાલુકામાં જળબંબાકાર

સિદ્ધપુર : સિદ્ધપુરમાં સોમવારની રાત્રે સર્જા‍યેલા મેઘતાંડવમાં જુદાજુદા વિસ્તારમાં પાંચ લોકો ડૂબ્યા હતા. જે પૈકી બે યુવાનોના મોત થયાં હતા. જ્યારે ત્રણનો આબાદ બચાવ થયો હતો. વરસાદી વાતાવરણમાં ઠેર ઠેર મકાનો, ઝાડ, પડી ગયા હતા. મોટાભાગના ગામોના સંપર્ક તૂટી ગયા હતા. સાંબેલાધાર વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં દશાવાડા, કાલેડા, ધનાવાડા સહિ‌તના ગામોમાં લોકોના ઘરોના છાપરા ઉડાડી મૂક્યા હતા. જ્યારે વાધણા, રાજપુર પાસેના નદી ઉપરના વહેતા પાણીમાં પાંચ યુવાનો ડૂબ્યા હતા.

જે પૈકી વાધણાના બે યુવાનના મોત થયા હતા. જ્યારે કલ્યાણા ગામે ૧પ જેટલા વાદી પરીવારોને ગામના બંને તળાવો ઓવરફ્લો થતાં ગામના યુવાનોએ શાળામાં સલામત ખસેડયા હતા. જેમાં સખત ઠંડી, વરસાદને લઇને ૩ વર્ષના બાળકનું મોત થયું હતું. ઉમરદશી નદી બે કાંઠે વહેતી થતાં વાધણા ગામના યુવાનો નદી જોવા ગયેલા હતા ત્યારે માટીની ભેખડ ધસતાં નીકુંજ લક્ષ્મણભાઇ મેવાડા (૨૩) નદીમાં પડતાં તેને બચાવવા હુસેનમહંમદ ઇસ્માઇલભાઇ કડીવાલા (૨૬) પાણીમાં પડયો હતો જે બંને ડૂબતાં હોઇ બચાવવા વારીસઅલી કમરઅલી મુખી (૧૮) તે પણ નદીમાં ઝંપલાવ્યું હતું. તે પણ ડૂબવા લાગ્યો હતો પરંતુ વારીસે બાવળનું થડ પકડી લેતાં તે બચી ગયો હતો. જ્યારે નીકુંજ અને હુસેન પાણીમાં ગરક થઇ ગયા હતા. ઘટનાસ્થળેથી યુવાનોએ જાણ કરતાં અકબકરભાઇ અને નજરભાઇ વગેરે ગ્રામજનો ટ્રેક્ટરો અને દોરડા લઇ દોડી આવ્યા હતા અને ગામના રહીશ અરજણજી ચેનાજી ઠાકોરે વારીસના હાથમાં રસ્સો પકડાવી તેને બહાર કાઢયા હતા.

બંનેના હાથ પકડયા હતા પણ છૂટી ગયા
વાધણા ગામે બાવળનું થડ પકડાઇ જતાં નદીમાં ડૂબતાં બચી ગયેલ વારીસે જણાવ્યું હતું કે, નીકુંજ અને હુસેનને બચાવવા હું પડયો હતો બંનેના હાથ પણ પકડયા હતા. પરંતુ છૂટી ગયા પછી અમે પાણીમાં ખેંચાયા હતા. અચાનક બાવળનું ઝાડ મારાથી પકડાઇ ગયું હતું અને બચી ગયો હતો. મારા બે મિત્રો બચી ન શક્યાની વેદના મને છે.