તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન, એક લાખથી વધારેની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અબલુવામાં મોમાઇ મંદિરમાંથી એક લાખથી વધુની મત્તા ચોરાઇ
- તસ્કરો આખી દાનપેટી ઉપાડીને તળાવમાં લઇ ગયા, રોકડ કાઢીને ફેંકી દીધી
- નાન- મોટા ચાંદીના ૩૦ છત્તર, ત્રણ પારણાં અને રોકડ ચોરી ગયા
જિલ્લાના સરસ્વતી તાલુકાના અબલુવા ગામે મોમાઇ માતાજીના મંદિરમાંથી રૂ.એક લાખથી વધુની મત્તાની ચોરી થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરોએ દાનપેટી ઉઠાવી જઇ પૈસા કાઢી લઇ તળાવમાં ફેંકી દીધી હતી. જોકે, ચોરી વધારે મત્તાની હોવાની ધારણા પણ કરાઇ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અબલુવામાં મોમાઇ માતાજી મંદિરનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશી મોટા ચાંદીના છત્તર નંગ-૩૦ વજન ૧૨પ૦ ગ્રામ કિંમત રૂ.પ૦ હજાર થાય છે. તેની તેમજ દાનપેટીમાંથી અંદાજે રૂ.૨પ હજાર રોકડ રકમ ચોરી ગયા છે. મંગળવારે ચોરી થયાનું ધ્યાને આવતાં પૂજારી રબારી બાબુભાઇ નાથાભાઇએ વાગડોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી.એસ.સુથાર તપાસ ચલાવી રહ્યા છે.
- ડોગ ડેરી સુધી જઇ અટકી ગયો
આ ઘટનામાં બુધવારે ડોગ સ્ક્ર્વોડ આવી પહોંચતાં મંદિરથી પગેરું પકડી આજુબાજુમાં ફર્યો હતો. તળાવમાં દાનપેટી પાસે ગયો હતો. ત્યાંથી આગળ વધતાં મુમનપરા તરફના ઠાકોરપરા આગળ દૂધ મંડળી સુધી પહોંચ્યો હતો. પણ ત્યાં પાકો રોડ આવતાં ડોગ અટકી ગયો હતો. તેથી તસ્કરો ત્યાંથી વાહનમાં પલાયન થઇ ગયાનું અનુમાન કરાય છે.
- ભક્તોએ રોકડ રકમ દાનપેટીમાં નાંખી હતી
પૂજારી બાબુભાઇ રબારીના જણાવ્યા મુજબ, તસ્કરો ત્રણ મોટા, ર૭ નાના છત્તરો, ત્રણ પારણાં ચાંદીના ચોરી ગયા હતા. દાનપેટીમાં છેલ્લા બે મહિ‌નામાં પચકવાડાના એક શ્રદ્ધાળુએ માતાજીને વાળેલા તેના રૂ.૩ હજાર નાખેલા, મદ્રાસના એક વણીક તબીબે રૂ.૧૧ હજાર અને અન્ય એક ભક્તે રૂ.પાંચ હજાર નાંખેલા હોઇ દાનપેટીમાં રોકડ રકમ વધારે હશે.
- દાનપેટી તળાવમાં ફેંકી દીધી
તસ્કરોએ માતાજીના છત્તરો વગેરેની ચોરી કર્યા બાદ નાના કબાટ જેવડી દાનપેટી આખી ઉપાડી તળાવમાં લઇ ગયા હતા. જેનું લોક ફટકા મારવા છતાં તોડી શક્યા નહોતા, તેથી ઉપરનો ભાગ કોસ જેવા હથિયારથી પહોળો કરી તેમાંથી રોકડ રકમ કાઢી લઇ પેટી ત્યાં ફેંકી દીધી હતી.