• Gujarati News
  • The Work Stopped Abruptly In Sankhalapura Adharakarda Let People Buffeting

શંખલપુરમાં આધારકાર્ડની કામગીરી ઓચિંતી બંધ કરી દેતાં લોકોને ધક્કા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે એક સપ્તાહથી હાથ ધરાયેલી આધારકાર્ડની કામગીરી શુક્રવારથી કોઇપણ જાતની જાણ કર્યા વિના બંધ રાખવામાં આવતાં આધારકાર્ડ કઢાવવા આવેલા ગ્રામજનોને ધક્કો ખાવાની ફરજ પડી હતી.

ભારતીય નાગરિકત્વના આધાર ભૂત દસ્તાવેજ સમાન આધારકાર્ડ કાઢી આપવાની શરૂઆત કર્યે છ-છ મહિ‌ના થવા છતાં જિલ્લામાં કામગીરી હજુ પૂરી થઇ નથી. બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામગીરીમાં અખાડા કરવામાં આવતાં હોઇ અહીં પણ મંદગતિએ કામગીરી ચાલી રહી છે. છેલ્લા એક સપ્તાહથી શંખલપુર ગામમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરાઇ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવાતી હોઇ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

આધારકાર્ડની કામગીરી શરૂ કરવાની કામગીરીનો સમય સવારે ૧૦ વાગ્યાનો હોવા છતાં સમયસર કામગીરી શરૂ કરાતી નથી. એમાંયે ગુરુવારે તો ૧૨ વાગ્યા સુધી એકપણ કર્મતારી નહીં ડોકાતાં બબ્બે કલાકથી કાળઝાળ ગરમીમાં લાઇનમાં ઊભા રહેલા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જ્યારે તેઓ આવ્યા ત્યારે રજૂઆત કરી તો કામગીરી બંધ કરી દેવાની ધમકી આપી હતી.

ઉચ્ચ કક્ષાએ રજૂઆત
બુધવારે સાંજના કાગળ નહીં હોવાને કારણે, તો ગુરુવારે સાંજના કમ્પ્યૂટરની ખરાબીના કારણે કામગીરી બંધ કરી દીધી હતી. જ્યારે શુક્રવારથી તો સવારથી જ કામગીરી બંધ રાખતાં આધારકાર્ડ કઢાવવા આવેલા ગ્રામજનોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.