• Gujarati News
  • The Increased Influx Of Students Waiting For Admission To Engineering Online Registration

ઇજનેરી પ્રવેશના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓનો ધસારો વધતાં વેઇટિંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કતપુર હેલ્પ સેન્ટરમાં મંગળવારે કેટલાક વિદ્યાર્થીઓ સમયપૂર્ણ થતાં રહી ગયા હતા, બુધવારે ફરી આવવું પડયું

રાજ્યમાં એસીપીસી દ્વારા ઇજનેરીમાં વિદ્યાર્થી પ્રવેશ માટે શરૂ કરાયેલ ઓનલાઇન પ્રક્રિયાના હેલ્પ સેન્ટર પૈકી પાટણ નજીક કતપુર સરકારી ઇજનેરી કોલેજના સેન્ટરમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓનો ધસારો રહેતાં ઘણા વિદ્યાર્થીઓને લાંબો સમય વેઇટીંગમાં ઉભા રહેવું પડે છે. મંગળવારે સેન્ટરમાં રજિસ્ટ્રેશનનો સમય પૂર્ણ થતાં ર૦ વિદ્યાર્થીઓએ ટોકન આપીને બુધવારે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મંગળવારે નંબર ન લાગતાં આ વિદ્યાર્થીઓને બુધવારે ફરી રજિસ્ટ્રેશન માટે આવવું પડયું હતું.

પાટણ નજીક આવેલ કતપુર સરકારી ઇજનેરી કોલેજના ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત હેલ્પલાઇન સેન્ટર પ્રવેશ કમિટી દ્વારા ફાળવવામાં આવ્યું છે. જ્યાં સેન્ટરમાં વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરી શકે તે માટે કમ્પ્યુટર લેબમાં ર૦ કોમ્પ્યુટર ગોઠવવામાં આવ્યા છે. પરંતુ ઓનલાઇન ફોર્મમાં વિદ્યાર્થીઓનો ધસારો રહેતાં ગેટ પર નોંધણી કરીને કમ્પ્યુટરમાં જગ્યા ખાલી થાય એટલે એક પછી એક વિદ્યાર્થીને ક્રમવાર સેન્ટરમાં મોકલવામાં આવે છે. સવારથી જ હેલ્પ સેન્ટરમાં વિદ્યાર્થી-વાલીઓનો ધસારો રહેતાં ગેટ આગળ વિદ્યાર્થીઓની લાઇન લાગી હતી. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ હેલ્પ સેન્ટરમાં નોડલ ઓફિસર મારફતે પાસવર્ડથી ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પણ વિદ્યાર્થીઓની લાઇન લાગી હતી.

કતપુર હેલ્પ સેન્ટરમાં મંગળવારે રપર જેટલા છાત્રો રજિસ્ટ્રેશન માટે આવ્યા હતા જે પૈકી સાંજે પ-૩૦ સુધીમાં ર૩૦ જેટલા છાત્રોનું રજિસ્ટ્રેશન થઇ શક્યું હતું. અંદાજે ર૦ છાત્રો રહી જતાં તેમને ટોકન નંબર આપ્યા હતા. આ વિદ્યાર્થીઓને બુધવારે ફરી આવવું પડયું હતું અને પહેલા તેમનાથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. નોડલ ઓફિસર હર્ષદભાઇ ભૂતડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ હેલ્પ સેન્ટરોમાં નિયત પદ્ધતિથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલે છે. સવારે ૧૧થી સાંજે પ-૩૦ સુધી કામગીરી થાય છે. આ વિસ્તાર રીમોટ એરીયા હોઇ રજિસ્ટ્રેશનમાં છાત્રોનો ધસારો વધુ રહેતો હોય છે.