પાટણ: લાંચીયા નિવૃત્ત તલાટીની આખરે ધરપકડ, બે દિવસના રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- લાંચ કેસમાં પકડાયેલ તલાટી)

-3 લાખમાંથી 1.50 લાખ ફરિયાદીએ તલાટીને આપ્યા,તલાટી બે દિવસના રિમાન્ડ પર
-
ભષ્ટ્રાચાર | પાટણ તાલુકાના વડલીના ખેડૂતની સરકારી પડતરે ચાલી ગયેલ જમીન પરત નામે કરાવી આપવા લેતી દેતી થઇ હતી

પાટણ: પાટણ તાલુકાના વડલી ગામના ખેડૂતની સરકારી પડતરમાં ગયેલી જમીન ફરીથી તેના નામે કરાવી આપવાના બદલામાં ત્રણ લાખ રૂપિયા નક્કી કરી અડધી રકમ મળ્યા પછી 50 હજાર લાંચ પેટે માગવાના ગુનામાં એક નિવૃત્ત તલાટી કમ મંત્રીને એસીબી પોલીસે શુક્રવારે ઝડપી લીધો હતો. પોલીસે તેને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રીમાન્ડ પર લીધો છે. પાટણ તાલુકાના વડલી ગામના હસમુખભાઇ પ્રજાપતિના પિતા લક્ષ્મણભાઇ અને મોટા બાપા પ્રભુભાઇ શંકરભાઇનું એક ખેતર 2013માં સરકારી પડતર ચાલી જતાં હસમુખભાઇ પ્રજાપતિએ તત્કાલીન તલાટી કમ મંત્રી મનસુખભાઇ પ્રજાપતિને વાત કરી હતી. જેમા કામ કરાવી આપવાના બદલામાં ત્રણ લાખ આપવા નક્કી થતાં ત્રણ તબક્કામાં કુલ રૂ. 1.50 લાખ આપી દીધા હતા.

ત્યારબાદ ગત 11 નવેમ્બરના રોજ પાટણ ખાતે તેની પ્રાઇવેટ ઓફિસ પર કામ બાબતે મળતાં તેણે બાકીના રૂ. 1.50 લાખની માગણી કરતાં હાલ રૂ. 50 હજાર ઓફિસે આપી જવાનો વાયદો કર્યો હતો. પરંતુ હસમુખભાઇ લાંચ પેટેની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કરીને મનસુખ પ્રજાપતિ સામે 20 નવેમ્બરે ફરીયાદ આપી હતી. એસીબીએ ફરીયાદ આધારે છટકામાં પકડવા ખેડૂતને ઓડીયો-વીડીયો રેકોર્ડર અને બટન કેમેરા સાથે બગવાડા સ્થિત પ્રાઇવેટ ઓફિસ પર ફરીયાદ બાદ મોકલ્યા હતા પરંતુ આરોપીને વહેમ જતાં પૈસા લીધા વગર જતાં રહેતાં છટકુ નિષ્ફળ રહ્યું હતું. બાદમાં 27 નવેમ્બરના ફરીયાદીએ તલાટીને ફોન કરતાં કામ માટે ગાંધીનગર ગયો છું તેમ કહી સાંજે પાંચ-છ વાગ્યે પાટણ પેલુ લઇને આપી જજે તેમ કહેતાં એસીબીએ ફરીથી છટકાની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં પાછો મારે કુણઘેર જવાનું છે.

કાલે રાખો તેવો ફોન આવતાં છટકુ થઇ શક્યું ન હતું. તે પછીના બીજા દિવસે ફરીયાદીને કેમેરા સાથે તલાટીની ઓફિસ પર મોકલતા હતા તેવામાં આરોપીએ ફોન કરીને કામ દોઢ-બે મહિના સુધી થશે નહીં. સાહેબની બદલી નહીં થાય ત્યાં સુધી સહી નહીં કરે. દોઢ-બે મહિના ટકવું પડશે તેમ કહેતાં છટકુ પણ કામ આવ્યું ન હતું. જેને પગલે એસીબીએ સાંઇબાબા નગર સ્થિત નિવાસ અને બગવાડા પાસેની ઓફિસમાં તપાસ કર્યા બાદ શુક્રવારે રાત્રે મનસુખ પ્રજાપતિ અટકાયત કરી હતી તેવું પાટણ એસીબી પીઆઇ એન.એચ.પટેલે જણાવ્યું હતું.

લાંચના મામલામાં ત્રીજી વખત પકડાયો

આ શખ્સ લાંચના મામલામાં ત્રીજી વખત પકડાયો છે. અગાઉ 2002માં રૂ. 500ની લાંચ લેતાં પકડાયો હતો જેમાં નિર્દોષ છૂટ્યો હતો. બાદમાં 2009માં રૂ. 2000ની લાંચમાં પકડાયો હતો જે કેસ હાલ કોર્ટમાં છે અને ત્રીજી વખત લાંચની માંગણીમાં શુક્રવારે રાત્રે એસીબીએ અટકાયત કરાઇ હતી.

આરોપી બે દિવસના રીમાન્ડ પર
એસીબી પોલીસે શનિવારે સાંજે આરોપીને સેસન્સ સ્પેશ્યલ કેસમાં રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડ માંગતા કોર્ટે 1લી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા હોવાનું એપીપી એમ.ડી.પંડયાએ જણાવ્યું હતું.

જિલ્લામાં નવ માસમાં છ લાંચીયા પકડાયા
- રાધનપુર મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર અને પટાવાળો
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, પાટણ
- સહકારી મંડળીના સબ ઓડિટર, ચાણસ્મા
- ટ્રાફીક બ્રિગેડ ગાર્ડ, પાટણ
- નિવૃત્ત તલાટી કમ મંત્રી, પાટણ