સિદ્ધપુરમાં ઉનાળુ વેકેશનનો માહોલ જામ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેદાની રમતો ભૂલાઇ, મ્યુઝીકલ ડાન્સીંગ શિખવવા બાળકોનો ધસારો

ધો.૧૦-૧૨ સહિ‌તની પરીક્ષાઓ પૂર્ણ થતાં શહેરમાં ઉનાળાના વેકેશનનો માહોલ જામ્યો છે. વેકેશન દરમિયાન ડાન્સ, મ્યુઝિક પેઇન્ટીંગ સહિ‌ત વિવિધ કળાઓ શીખવાના ક્લાસીસો ધમધમવા લાગ્યા છે.

વાર્ષિ‌ક પરીક્ષાઓ પૂર્ણ થતાં બાળકો અને વાલીઓ હાશકારો અનુભવી રહ્યાં છે. બાળકો ઉનાળુ વેકેશનને માણવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં વેકેશનમાં પણ બાળક કંઇક નવું શીખે, વ્યસ્ત રહે તે આશયથી વાલીઓ દ્વારા વેકેશનમાં પણ બાળકને સમર કેમ્પ કે એક્ટીવીટી સેન્ટરમાં મોકલવાનો આગ્રહ રાખવામાં આવે છે.
વર્ષ ભરમાં ભણતરનો ભાર વેઠતાં બાળકો માટે ઉનાળુ વેકેશન ભારે રાહત લઇને આવે છે. અગાઉના સમયમાં બાળકો વેકેશનમાં મિત્રો સાથે કબડ્ડી, ક્રિકેટ, લંગડી, પક્કડદાવ, ગીલ્લી-દંડા, સંતારીયું જેવી શારીરિક શ્રમ આપતી રમતો રમતા હતા અને સીધા જ સૂર્યપ્રકાશનો લાભ લેતા હતા.

આજે આ રમતો ભૂલાઇ ગઇ છે. હવેના ઇ-યુગમાં બાળકો કોમ્પ્યુટર અને વીડીયોગેમના શોખીન બની ગયાં છે. દિવસભર ગેમમાં સમય વ્યતિત કરતાં બાળકો મિત્રો સાથે ફરવા માટે પણ ગેમઝોન, વોટર રીર્સોટ શોધી જતાં થઇ ગયાં છે. બાળકોને રમવા લઇને આવતાં વાલીઓ પણ જાણે કે આકર્ષક રમતો જોઇને પણ પોતાના બાળપણમાં સરી જતાં હોય તેમ રમતો રમવામાં મશગુલ થઇ જાય છે.

હાલમાં સિદ્ધપુરમાં ક્રિકેટના મેદાન રહ્યા નથી. સ્કેટીંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટનની કોઇ કોચીંગ નથી ત્યારે ક્યાંક ક્યાંક ડાન્સીંગ, મ્યુઝીકના ક્લાસીસ પર બાળકો સાથે વાલીઓની ભીડ જોવા મળી રહી છે.

સિદ્ધપુરમાં ઉનળુ વેકેશનમાં બાળકો ડાન્સીંગ-મ્યુઝીકના તાલ શીખવા લાગ્યાં છે.તસવીર-નિરંજન ઠાકર