સાંતલપુરના તલાટી કમ મંત્રીને સજા થતાં નોકરીમાંથી બરતરફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- સાંતલપુરના તલાટી કમ મંત્રીને સજા થતાં નોકરીમાંથી બરતરફ
- 5 વર્ષ અગાઉ તલાટી કમ મંત્રી 500ની લાંચ લેતાં પકડાયા હતાં
- ઇન્ચાર્જ ના. જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી કર્મચારી આલમમાં ફફડાટ


પાટણ : પાંચ વર્ષ પહેલા એસીબીના છટકામાં રૂ. 500ની લાંચ લેતા પકડાયેલા સાંતલપુરના તત્કાલીન તલાટી કમ મંત્રીને સજા થતાં તેને પગલે તેમને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયો છે. જેને પગલે કર્મચારી આલમમાં ફફડાટ ફેલાયો હતો. સાંતલપુરના સાપાભાઇ છગનભાઇ કોળીની જમીન પંચાયત દફતરે છગનભાઇ ડાહ્યાભાઇ કોળીના નામે ચડી ગયેલી હોવાથી તે માટેની કાર્યવાહી કરવા અને હક્કપત્રક-6ની નોંધોનો ઉતારો લેવા માટે સાપાભાઇએ ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી દિલીપદાન શીવદાન ગઢવીને વાત કરી હતી.
તલાટીએ તેમની પાસે નકલ ફી ઉપરાંત ચા-પાણીના રૂ. 500ની માગણી કરતાં એસીબી દ્વારા છટકુ ગોઠવાયું હતું. જેમાં દિલીપદાન ગઢવી રૂ. પ00ની લાંચ લેતાં પકડાઇ ગયા હતા. બાદમાં તેમનો કેસ પાટણ કોર્ટમાં 13 જાન્યુઆરી 2014ના રોજ ચાલી જતાં તેમને સજાને પાત્ર ગુના માટે તક્સીરવાન ઠરાવવામાં આવ્યા હતા.
તેમને સખત કેદ અને દંડની સજા પણ કરવામાં આવી હતી. જેને પગલે ડી.એસ.ગઢવીને ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997ના નિયમ 6(6) મુજબ નોકરીમાંથી અને સામાન્ય રીતે ભવિષ્યની નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે બરતરફ કરવા માટે ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એમ.ગઢવી દ્વારા આદેશ કરાયો છે.