• Gujarati News
  • Prana Shakti Mataji Temple In Dhanora Festival Held In Prestige

ધનોરામાં શક્તિ માતાજી મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતો-મહંતોના સાંનિધ્યમાં મહાયજ્ઞ-સંતવાણી સાથે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

સમી તાલુકાના ધનોરા ગામે ઝાલા પરિવારના કૂળદેવી શક્તિ માતાજીના નૂતન મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ બુધવારે સંતો-મહંતો, વિદ્વાન પંડિતો, સમાજના અગ્રણીઓ અને વિશાળ જનમેદની વચ્ચે મહાયજ્ઞ સાથે યોજાયો હતો. જેમાં વિશાળ મેદની ઉમટી પડી હતી.

ધનોરા ખાતે ઝાલા પરિવાર દ્વારા શક્તિ માતાજીના નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગે ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું. જેના પ્રથમદિને સોમવારે પીઠ દેવતા પૂજનો, દ્વિતીય દિને અભિષેક, શોભાયાત્રા જ્યારે રાત્રે સાહિ‌ત્યકાર ભરતદાન ગઢવી, પ્રકાશભાઇ, ઇશ્વરદાન ગઢવી વગેરે કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. તૃતિય દિને બુધવારે વિજયમુહૂર્તે પૂ. મહંત ભરતપુરી બાપુ, પૂ. મહંત જિતેન્દ્રગીરીબાપુ, પૂ. મહંત બેચરપુરી બાપુ, પૂ. મહંત દશરથપુરી, પૂ. મહંત કાશીગીરીબાપુની પાવન નિશ્રા તેમજ શાસ્ત્રી ધનસુખભાઇ જોષી અને રમેશભાઇ ત્રિવેદીના આચાર્યપદે ૩૧ યુગલ દ્વારા મહાયજ્ઞ સાથે શક્તિ માતાજીની મૂર્તિ‌ની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

પ્રતિષ્ઠા પ્રસંગે ઝાલા સમાજના પ્રમુખ ભીખુભા નદીશાળા, ધામા શક્તિ મંદિરના ટ્રસ્ટી ઘનશ્યામસિંહ સહિ‌ત ઉત્તર ગુજરાત, ઝાલાવાડ, કચ્છમાંથી સમાજના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન, સંચાલન મેરૂભા ઝાલા ધનોરા, દિલીપસિંહ ઝાલા, નવલસિંહ ઝાલા અને ઝાલા યુવા મંડળ અને અગ્રણીઓ દ્વારા કરાયું હતું. પ્રતિષ્ઠા પ્રસંગે સંતોના પૂજનો ન થયા હતા તેમજ દાતા તેમજ અગ્રણીઓનું સન્માન કરાયું હતું.