સિદ્ધપુર મહાપ્રભુજીની ૭૨મી બેઠકે વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરમાં મહાપ્રભુજીએ બે વાર પધરામણી કરી હતી

ભારતભરના પુષ્ટીવૈષ્ણવ સંપ્રદાયનો અમર સંદેશ આપનાર પ.પૂ. ૧૦૦૮ શ્રીઅખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)નો પ૩૭મો પ્રાગટય મહોત્સવ સિદ્ધપુરમાં વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો થકી ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. જેમાં પથ્થરપોળના શ્યામલાલજીના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર સિદ્ધપુર શહેર-તાલુકાના વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ અંગે મહાપ્રભુજીની ૭૨મી બેઠકના મુખીયાજી રાજુભાઇ વ્યાસ અને મુનિમજી મનોજભાઇ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, બેઠકમાં સવારે મંગલા આરતી કેસર સ્નાન, જારીચરણ સ્પર્શ, રાજભોગ તિલક તેમજ સાંજે પ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરિષદ સિદ્ધપુરના પ્રમુખ સુનિલભાઇ પરીખે જણાવ્યું હતું કે, મહાપ્રભુજીએ ધરતીનું ત્રણવાર ભ્રમણ કર્યું હતું. તે દરમિયાન સિદ્ધપુર કપિલ આશ્રમની ભૂમિ પર બે વાર પધરામણી કરી હોવાથી ૮૪ બેઠકો પૈકી ૭૨મી બેઠક તરીકે પસંદ થયેલું છે.

જ્યારે અજીતભાઇ પરીખ, મનોજભાઇ પંચાલે જણાવ્યું હતું કે, મહાપ્રભુજીનો જન્મ ૧પ૩પમાં થયો હતો. વૈષ્ણવોના ગુરુ એવા મહાપ્રભુજીના પ૩૭મા પ્રાગટય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. સમગ્ર શહેરના બધા જ વૈષ્ણવોએ ઉત્સાહ અને આનંદથી બેન્ડવાજા સાથે મહાપ્રભુજીની શોભાયાત્રા કાઢી હતી. જે પથ્થરપોળ, શ્યામલાલજીના મંદિરેથી નીકળી અલવાનો ચકલો, મંડી બજાર થઇ પરત બિંદુ સરોવર ખાતે બેઠકે આવી પહોંચી હતી. અજયભાઇ શાહ, સંજયભાઇ પરીખ, નીતાબેન, ઉર્વશીબેન સહિ‌ત મોટી સંખ્યામાં વૈષ્ણવો શોભાયાત્રામાં જોડાયા હતા.