હારિજ નગરને પાણી આપવા ૪.પ૭ કરોડનો પ્લાન્ટ સ્થપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાણસ્મા, હારિજ, સમિ, શંખેશ્વર તાલુકામાં પાણીની સુવિધા પાછળ રૂ. ૭૦ કરોડ મંજૂર
હારીજ માર્કેટયાર્ડ ખાતે વેપારી મંડળનું સ્નેહમિલન અને જલિયાણ ગ્રીન સોસાયટી ખાતે શહેર ભાજપનું સ્નેહમિલન સહ તાજેતરમાં મંત્રી મંડળમાં સ્થાન પામેલા વિસ્તારના ધારાસભ્ય મંત્રી દિલીપકુમાર ઠાકોરનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં મંત્રી દિલીપભાઇ ઠાકોરે વિસ્તારની મુખ્ય સમસ્યા મીઠાપાણીનો પ્રશ્ન હલ કરવા સમી, ચાણસ્મા, હારીજ અને શંખેશ્વર તાલુકામાં અલગ અલગ પમ્પિંગ સ્ટેશનોથી પાણી શુદ્ધિકરણ કરી દરેક ગામને પૂરતુ મળી રહે તેના માટે રૂ. ૭૦ કરોડ મંજૂર થયાનું જણાવ્યું હતું. જેમાં હારીજ નગરનો સ્પેશ્યલ અલગ પ્લાન્ટ ૪.પ૭ કરોડના ખર્ચે તૈયાર થશે.
હારીજમાં જુદી જુદી જગ્યાએ થયેલા સ્નેહમિલન અને સન્માન સમારંભમાં પશુપાલન-મત્સ્યોદ્યોગ મંત્રી દિલીપજી ઠાકોર, શહેર પ્રમુખ મિતેષભાઇ ઠક્કર, રમેશભાઇ સિંધવ, વેપારી એસોસિયેશનના પ્રમુખ ગુણવંતભાઇ ઠાકર, યાર્ડના વાઇસ ચેરમેન કાનજીભાઇ દેસાઇ, વાઘજીભાઇ ઠાકોર, જ્યંતીભાઇ, પ્રમોદભાઇ, ખેતસિંહ ગઢવી વગેરે અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.આઇ.ઠક્કરે કર્યું હતું.
મંત્રી દિલીપજી ઠાકોરે વેપારીગણ અને વિસ્તારના લોકોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોએ ૧૯૭પથી મત આપી આજદિન સુધી સાથે રહી સહકાર આપ્યો છે. હવે તક મળી છે ત્યારે વિકાસ કામો માટે હંમેશા તત્પર રહી કાર્યો કરાવીશ. મંત્રી મંડળમાં સ્થાન મળતાં જ મીઠુ પાણી નર્મદામાંથી પાઇપલાઇનો મારફતે ચારેય તાલુકાઓમાં મળી રહે માટે રજૂઆત કરતાં શંખેશ્વર, સમી, હારીજ અને ચાણસ્મામાં અલગઅલગ ૭૦ કરોડના ખર્ચે કામો મંજૂર થયાં છે. જેમાં હારીજ માટે અલગ રૂ. ૪.પ૭ કરોડનું બજેટ મંજૂર થતાં મીઠા પાણીનો પ્રશ્ન આવનારા સમયમાં હલ થઇ જશે.