• Gujarati News
  • Medical College Of The Pressures Around Dharapura Hatavaya

ધારપુર મેડિકલ કોલેજ આસપાસના દબાણો હટાવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ રોડ અને ફોરેસ્ટની જગ્યામાં પાર્લર, ચા-નાસ્તાના સ્ટોલ મળી ૧૨ કેબિનો ખડકાયા હતા : કેબિન ધારકો સ્વયં માલ સામાન આટોપી લીધો

પાટણથી સાત કિલોમીટરના અંતરે આવેલ ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ આગળ સ્ટેટ હાઇવે અને ફોરેસ્ટની જગ્યામાં કેબિનોમાં ચા-નાસ્તા પાર્લર સ્ટોલ દ્વારા ગુજરાન ચલાવતાં લોકોના ૧ર જેટલા દબાણો ગુરુવારે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે સવારે કાર્યવાહી શરૂ થતાં જ કેબિન ધારકો સ્વયં માલ સામાન આટોપવા કામે લાગ્યા હતા.

ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ દર્દીઓની સારવારથી ધમધમતી થતાં દર્દીઓ સાથે આવતાં સગાવ્હાલાઓનો બહાર કેબિનો પર ચા-નાસ્તા માટે જમાવડો રહેતો હતો. જેમાં કેબિન ધારકોનો ગુજારો ચાલતો હતો. આ જગ્યા સ્ટેટ હાઇવે આર એન્ડ બી અને ફોરેસ્ટની હદમાં આવેલી છે. ત્યાં રોડની સાઇડોમાં ચા-નાસ્તાના સ્ટોલ, સલૂન વગેરેના ૧૨ જેટલા કેબિનો ખડકાયા હતા. ધારપુર નજીકમાં દબાણો અંગે જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં ફરિયાદ થઇ હતી. જેને પગલે ગુરુવારે પાટણ માર્ગ-મકાન વિભાગ અને વનવિભાગના કર્મચારીઓની ટીમો જેસીબી મશીન અને તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજ પહોંચી હતી અને દબાણો હટાવી જગ્યા ખૂલ્લી કરવા કેબિન ધારકોને સૂચવાયું હતું. જેને પગલે કેબિન ધારકો પોતાનો માલ સામાન કેબિનમાંથી ખાલી કરીને ધક્કા રીક્ષા કે ઊંટલારીમાં નાંખી લઇ જવા માંડયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે, સ્ટેટ હાઇવે પર ઠેર-ઠેર દબાણોનો રાફડો ફાટયો છે ત્યારે ધારપુર હોસ્પિટલ નજીક હાઇવેની સાઇડમાં કેબિન લગાવી રોજગારી રળનાર ગરીબોના કેબિન જ કેમ હટાવાયા તેને લઇને ચર્ચાઓ થવા લાગી હતી. કાર્યપાલક ઇજનેર આર.એસ. પટેલે જણાવ્યું હતું કે, સંકલન બેઠકમાં ફરિયાદ થઇ હતી. સ્ટેટ રોડ પર પ્લાન્ટેશન માટે ફોરેસ્ટને જગ્યા ફાળવાયેલ છે ત્યાં લારીઓ, કેબિનોના દબાણો હતા. જે જગ્યા ખૂલ્લી કરાવાઇ રહી છે.

ધારપુર મેડિકલ હોસ્પિટલ નજીક લારીઓ-કેબિનોના દબાણો દૂર કરાયા હતા. તસ્વીર : સુનિલ પટેલ