જગદીશ મંદિરમાં ત્રણ દિ’માં ભગવાનના વસ્ત્રો તૈયાર થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઝરીલેશ ડિઝાઇનવાળા કાપડમાંથી ભગવાનના વાઘા બનાવવાનું શરૂ

પાટણ શહેરમાં અષાઢી બીજનો જય રણછોડ ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે બુધવારથી જગદીશ મંદિર પરિસરમાં ઝરીલેશ ડિઝાઇનવાળા કાપડમાંથી ભગવાનના વાઘા (વસ્ત્રો) બનાવવાનું કાર્ય આરંભાયું હતું. પ્રભુ ચાંદી, જર્મનના જે રથમાં સવાર થઇને નગરચર્યાએ નીકળનાર છે એ રથ સવારીને અરીઠા જેવી વનસ્પતિથી સફાઇ કરીને ચકચકાટ બનાવવામાં કારીગરો કાર્યરત થયા છે. પ્રભુ રથની ચમકદમક અને બે ભાત્રા ભગવાનની ધોતી, કેડીયું તેમજ બહેનની સાડીના વાઘા ત્રણ દિવસમાં તૈયાર થઇ જશે.

પ્રતિવર્ષ રથયાત્રા અવસરે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજી માટે નવા વાઘા બનાવવામાં આવે છે અને નવા વસ્ત્ર પરિધાન સાથે પ્રભુ નગરચર્યાએ નીકળી શહેરીજનોને દર્શન આપે છે. પૂજારી કમલેશભાઇ શુક્લે કહ્યું હતું કે,ગતવર્ષે ભરતકામ પર ભગવાનના પીળા કલરના વાઘા બનાવ્યા હતા. દર વર્ષે ડિઝાઇન બદલાવામાં આ વર્ષે હવે લેશવાળી ર્બોડરપટ્ટીનું લાલરંગનું કાપડ અમદાવાદથી લાવ્યા છીએ અને એમાંથી ભગવાનને વસ્ત્ર પરિધાન માટે ઝરીલેશ પર ધોતી, કેડીયું, લટકણીયા કારીગર સતિષભાઇ મોદી દ્વારા બનાવવામાં આવી રહ્યાં છે. બહેન સુભદ્રાજીની સાડી બનાવવામાં આવશે. અત્રે ત્રણ રથની ધજા તૈયાર કરવામાં આવશે.

મંદિર પરિસરમાં ચાંદીના એક અને જર્મન સિલ્વરના બે રથને ચમકાવવા માટે સફાઇ કામગીરી પણ કારીગર હરેશભાઇ ભીલ અને તેમની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા સફાઇમાં એસીડના ગોળાથી રથને ચકચકાટ કરતાં હતા પણ તેમાં કાયમી ચળકાટ રહેતો નહોતો. હવે અરીઠાના પાણીની કુદરતી વનસ્પતિ તેમજ સિલ્વરી, મેગાગોલ્ડ, પિતાંબરી, પાવડરથી પ્રભુ રથની સફાઇ કરાવવામાં આવી રહી છે. શુક્રવાર સુધીમાં ત્રણેય રથને ચકચકાટ કરવામાં આવશે તેમ કારીગરે જણાવ્યું હતું.