ઝિલીયા પાસે બે ગાડી અથડાતાં બેનાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૃતકો બંને મીઠીવાવડીના રહીશ હતા અને અમદાવાદ લગ્નમાંથી અલ્ટોમાં પરત આવી રહ્યા હતા : ઝાયલો ગાડીના ચાલક અમદાવાદના શખ્સને મહેસાણા ખસેડાયા

ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે બુધવારે મોડી સાંજે ગોઝારો અકસ્માત સર્જા‍યો હતો. જેમાં અલ્ટો અને ઝાયલો ગાડી સામ સામે અથડાતાં મીઠીવાવડી ગામના બે આધેડ શખ્સોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે ઝાયલો ગાડીના ચાલકને ઇજાઓ થતાં સારવાર માટે મહેસાણા ખસેડયો હતો.

હજુ વડાવલી પાસે એક જ પરિવારના છ લોકોના મોત થયાની ઘટનાનો આઘાત શમ્યો પણ નથી ત્યાં જ બુધવારે યમદૂતોનો ફરીવાર ડેરા ચાણસ્મા હાઇવે પર લાગ્યા હતા. ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામ નજીકના પુલ પાસે સાંજે સાતેક વાગ્યાના સુમારે એક અલ્ટો ગાડી (જીજે-૭એજી-૯૮૪૬) અમદાવાદથી આવી મીઠીવાવડી ગામે જઇ રહી હતી, ત્યારે સામેથી એક ઝાયલો ગાડી (જીજે-૧૮એવાય-પ૪૩૨) ચાણસ્મા તરફથી આવી રહી હતી ત્યારે કોઇ કારણસર આ બંને ગાડીઓ સામસામે ટકરાઇ પડી હતી.

અકસ્માતમાં અલ્ટો મારૂતિ ગાડીમાં અમદાવાદ ગામે લગ્ન પ્રસંગે જઇ પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે પરત જઇ રહેલા બે શખ્સોના ઘટનાસ્થળે જ મરણ થયા હતા. જેમાં મોતીભાઇ તળજાભાઇ દેસાઇ (પ૦) અને ગેમરભાઇ ઇશ્વરભાઇ દેસાઇ (૪૪)ના કમકમાટીભર્યા મૃત્યુ થયાં હતા.જેને લઈ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ઝાયલો ગાડીના ચાલકને મહેસાણા ખસેડાયો
જ્યારે ઝાયલો ગાડીમાં જઇ રહેલા અમદાવાદના વિજયભાઇ વાસુભાઇ બ્રહ્મક્ષત્રિય (પ૮)ને ઇજાઓ થતાં ચાણસ્મા ૧૦૮ના ઇએમટી તેજલબેન પ્રજાપતિ અને પાયલોટ ચંદ્રસિંહ સોઢા દ્વારા ઘટનાસ્થળે જઇ મહેસાણા ખાતે જે.કે. ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગાડીમાં એકમાત્ર તેઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ઓન ડયુટી લખેલુ હોઇ સરકારી સેવામાં રોકાયેલી ગાડી હોવાનું જાણવા મળ્યું હતું.

રાત્રે મૃતકોની લાશો લણવા લઇ જવાઇ
ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતાં પીએસઆઇ એન.એન. ચાવડા અને એએસઆઇ વિજયસિંહ વગેરે સ્ટાફના માણસો ત્વરીત ઘટનાસ્થળે દોડી ગયા હતા. જેઓએ મૃતકોની લાશો પોલીસના વાહનમાં પોસ્ટર્મોટમ અર્થે લણવા સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યાં રાત્રે ૮-૩૦ કલાકે ઇન્કવેસ્ટ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારપછી બંને લાશોનું પોસ્ટર્મોટમ હાથ ધરવામાં આવશે.