તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખેશ્વરમાં તેજસ્વી તારલાઓને જૈન શ્રેષ્ઠીઓએ બિરદાવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જૈન શ્રેષ્ઠી દ્વારા ધો. ૧૦-૧૨ના ૧૦૦ વિદ્યાર્થીઓને રૂ. પાંચ હજારનો પુરસ્કાર આપી બિરદાવ્યા
- સતત ત્રણ વર્ષથી જૈન શ્રેષ્ઠી દ્વારા પુરસ્કાર અપાય છે.


જૈનર્તીથ શંખેશ્વર ખાતે સતત ત્રણ વર્ષથી ધો. ૧૦-૧૨માં ૭૦ ટકા અને તેનાથી વધુ ટકા લાવનાર વિદ્યાર્થીઓને જી.ગો.પેઢીના ટ્રસ્ટી અને દાતા દ્વારા રોકડ રકમ આપી બિરદાવવામાં આવે છે, ત્યારે રવિવારે પી.સી.પ્રજાપતિ વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમ યોજી ૧૦૦ વિદ્યાર્થીઓનું સન્માન કરી કુલ રૂ. પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિ‌ત કરવા ત્રણ વર્ષથી ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને જી.ગો.પેઢીના ટ્રસ્ટીઓ અને એલર્ટ ગ્રુપના વડા દાનવીર કલ્પેશભાઇ શાહ દ્વારા ૭૦ ટકા અને વધારે લાવનારને રૂ. પાંચ હજાર રોકડા આપી પ્રોત્સાહિ‌ત કરવામાં આવે છે. રવિવારે પી.સી.પ્રજાપતિ વિદ્યાલય ખાતે જૈન અગ્રણી કલ્પેશભાઇ શાહ, જી.ગો.પેઢીના ટ્રસ્ટી શ્રેયાંકભાઇ શેઠ, દેવલભાઇ શાહ, માજી સરપંચ ગોવિંદભાઇ ખેર, વિદ્યાલયના પ્રમુખ પ્રવીણભાઇ જોષી, નવીનભાઇ ભોજક, કિશાન સંઘના અગ્રણી જગમાલભાઇ આર્ય, ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ એલર્ટ ગ્રુપના ૬૦ સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પી.સી.પ્રજાપતિ વિદ્યાલયના ૬પ વિદ્યાર્થી અને ગ્રામ સેવા ઉ.બુ. વિદ્યાલયના ૩પ વિદ્યાર્થી-વિદ્યાર્થિ‌નીઓ મળી કુલ ૧૦૦ જણાંને સન્માનવામાં આવ્યા હતા. સાથે સાથે પૂ. આચાર્યદેવ વિજય રત્નસુંદરસૂરિજી મ.સા.નું 'હૃદયની વ્યથા’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

સન્માન પ્રસંગે ટ્રસ્ટી નવીનભાઇ ભોજકે દાનવીરોની ઉદારતાને બિરદાવી હતી જ્યારે શ્રેષ્ઠી કલ્પેશભાઇએ પંડિત જવાહરલાલ નહેરુના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને જિંદગીમાં આગળ વધવા અને શરૂઆતના દસ વર્ષનો કાળ સુવર્ણકાળ ગણાવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી નટુભાઇ ભંડારી, અજીતભાઇ શાહ, હનુજી બાપુ, અમરશીભાઇ કોઠારી, ભરતભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, શંખેશ્વરની જી.ગો.પેઢી દ્વારા કાર્યો સિવાય વિવિધ લોકપયોગ જેવા ઢોરોને ઘાસચારો, કેન્સરના દર્દીઓને સહાય અને ગામના વિકાસમાં સહાય અગ્રેસર કાર્યો કરી દાન આપવામાં આવ્યાં છે. સન્માન સમારંભનું સંચાલન શિક્ષક વિનોદભાઇ પટેલે અને આભારવિધિ નિલેશભાઇ દવેએ કરી હતી.