પાટણમાં હિ‌ટવેવનું મોજું હજી યથાવત, ૪પ ડિગ્રી ગરમી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બપોરના સમયે ચામડી દાઝતી હોય તેવો દાહક અનુભવ થયો

પાટણખ સહિ‌ત ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનના પટ્ટામાં એક્ટીવ થયેલા અપરએર સાયક્લોનિક સરક્યુલેશનના લીધે હિ‌ટવેવનું મોજું બુધવારે પણ યથાવત રહ્યું હતું. ૪પ ડિગ્રીથી વધુ ગરમીના કારણે બપોરના સમયે ચામડી દાઝતી હોય તેવો દાહક અનુભવ લોકોને થયો હતો. સમગ્ર પાટણ જિલ્લામાં વહેલી સવારે સૂર્યના કિરણો ફુટયાં ત્યારથી જ ગરમીનો તીખો અહેસાસ શરૂ થઇ ગયો હતો. સવારે નવ-દશ વાગ્યાના ત્રણ-ચાર કલાકમાં જ હિ‌ટવેવ ચાલુ થઇ ગયો હતો. બપોરે સમગ્ર માહોલ અગનભઠ્ઠી જેવો થઇ જવા પામ્યો હતો. અપરએર સીસ્ટમ કાર્યરત હોવાથી ગરમીનું મોજુ તીવ્રતા સાથે પ્રસર્યું હતું. શહેરના મેઇન બજાર તેમજ સોસાયટી વિસ્તારોમાં વરાળમાંથી પસાર થતાં હોઇએ તેટલી દાહકતા અનુભવાઇ હતી. ભારે ગરમીથી કચેરીઓમાં સન્નાટો હતો. જ્યારે બસ સ્ટેન્ડમાં પણ લોકોની રૂટીનમાં જ અવરજવર ખાસ્સી ઘટી હતી.

ભયંકર ગરમી છતાં આરોગ્ય તંત્ર ઠંડા માહોલમાં

પાટણની સિવિલ હોસ્પિટલ, ધારપુર મેડીકલ કોલેજ તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રોમાં તપાસ કરતાં સનસ્ટોકના કેસો નોંધાયા ન હોવાનું ફરજ પરના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, પ્રાઇવેટ તબીબ ર્ડા. રેનીશ મેમદાની, ર્ડા. દિનેશ પાંડોરની હોસ્પિટલમાં પખવાડીયામાં ચાર જેવા કેસો સનસ્ટોકના નોંધાયા હોવાનું જણાવ્યું હતું. ચાણસ્મામાં ગરમીથી યુવકના મોત પછી આરોગ્ય વિભાગ દ્વારા રીપોર્ટ મંગાવાયો છે તેટલી જ જાણકારી મળી હતી. આરસીએચઓ આર.ટી.પટેલે જણાવ્યું હતું કે, ફિલ્ડના કર્મચારીઓ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવે છે.

આકાશમાં ગરમી, ધરતી લ્હાય લ્હાય, છતાં ખેતીની કામગીરી

ગરમીના કારણે ખેતીની કામગીરી દિવસે કરી શકાતી નથી. કાંતો સવારે દશ વાગ્યા સુધી કરાય છે. હવે કપાસની સિઝન નજીક આવી રહી છે ત્યારે પાટણ તાલુકાના નાયતા તેમજ આસપાસના ગામડામાં ખેડૂતો તેના કામમાં પળોટાયા છે ત્યારે કંચનજી ઠાકોર નામનો ખેડૂત શરીર પરથી કપડુ દૂર કરીને મજૂરી કરતો જોવા મળ્યો હતો. ગામે ગામ લોકો ગરમી વચ્ચે ખેતીની કામગીરીમાં વ્યસ્ત થયાં છે. જોકે, અસહ્ય ગરમીમાં શ્રમવાળી મજૂરી ન કરવી જોઇએ તેવી સલાહ તબીબોએ આપી હતી.