• Gujarati News
  • Fake Police Constable Took A Hand In The Original Police

પેટ્રોલિંગમાં નીકળેલી અસલી પોલીસને હાથ લાગ્યો નકલી કોન્સ્ટેબલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ પાસે પોલીસના સ્વાંગમાં બની વાહન ચેકીંગ કરતો શખ્સ પકડાયો : ચાણસ્માનો વતની અને હાંસાપુર પાસે રહેતો શખ્સ દારૂ પીધેલી હાલતમાં હતો

પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તા નજીક બાલાજી પાર્ટી પ્લોટ સામે પોલીસે સોમવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં પોલીસ બની વાહન ચેકીંગ કરતાં નકલી પોલીસ મૂળ ચાણસ્માના અને હાલ હાંસાપુર ગામે રહેતાં એક શખ્સને પકડી પાડયો હતો અને તેની પાસેથી શર્ટના ખિસ્સાના ભાગે લગાવેલી પોલીસની નેઇમપ્લેટ જપ્ત કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

નકલી પોલીસ બનીને લોકો સાથે ઠગાઇ કરવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે પાટણ પાસે પણ પોલીસનો વેશ ધારણ કરીને વાહનચેકીંગ કરતા એક શખ્સને અસલી પોલીસે પકડી પાડયો હતો. પાટણ શહેરની બી ડિવિઝન પોલીસ સોમવારે રાત્રે ૮ કલાકના અરસામાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે વખતે ઊંઝા રોડ પર આવેલા બાલાજી પાર્ટી પ્લોટ પાસે એક શખ્સ રોડ પર નકલી પોલીસ બની વાહન ચેકીંગ કરતો જોવા મળતાં પોલીસે તે શખ્સને પકડી લઇ પાડી તેનું નામ ઠામ પૂછતાં મૂળ ચાણસ્માના જૂના સુથારવાસમાં રહેતો અને હાલ હાંસાપુર ગામે રહેતાં હિ‌તેશકુમાર રમેશભાઇ સુથાર હોવાનું જણાવ્યું હતું.

શખ્સ દારૂ પીધેલી હાલતમાં હતો અને તે રાજ્ય સેવક ન હોવા છતાં નકલી પોલીસ બનીને રોડ પર વાહન ચેકીંગ કરતો હોવાથી તેની સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ લોકઅપમાં ધકેલી દીધો હતો.

નેમ પ્લેટ પર હેડ કોન્સ્ટેબલનો હોદ્દો લખેલો હતો
પકડાયેલા નકલી પોલીસે પહેરેલા શર્ટની ડાબી બાજુએ ખિસ્સાના ભાગે પોલીસની નેઇમપ્લેટ લગાવેલી હતી. આ નેઇમ પ્લેટ પ્લાસ્ટીકની છે અને તેના પર સફેદ અક્ષરથી હિ‌તેશભાઇ આર. સુથાર હેડ કોન્સ્ટેબલ બ.નં.- ૧૪૩ લખેલો છે. પોલીસે તપાસ માટે આ નેઇમ પ્લેટ જપ્ત કરી હતી. આ શખ્સે પોલીસનો સ્વાંગ ધરીને વાહન ચેકીંગ કરતાં કોઇની પાસેથી પૈસા પડાવય હતા કે કેમ તે અંગ પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણ શહેર બી ડિવિઝન પોલીસે નકલી પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડયો હતો. -સુનિલ પટેલ