રાધનપુર પાલિકાના પ્રમુખ પદે ર્ડા. દેવજીભાઇ પટેલની વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - દેવજીભાઇ પટેલ સાથે અન્ય સભ્યો)

-નવા વરાયેલા પ્રમુખે જણાવ્યું: સ્વચ્છ વહીવટ આપીશું
-
માત્ર બે વર્ષમાં જ ભાજપે ફરીથી સત્તા સંભાળી
રાધનપુર : રાધનપુર પાલિકામાં મતદારોએ વિશાળ બહુમતીથી કોંગ્રેસને સત્તા સોંપી હોવા છતાં આંતરીક ડખાના કારણે બે જ વર્ષમાં કોંગ્રેસનો રકાસ થયો અને ૨૧માંથી ૧૯ સદસ્યો ભાજપમાં ભળી જતાં માત્ર બે જ વર્ષમાં ભાજપે ફરીથી પાલિકામાં સત્તા સંભાળી છે. મંગળવારે પ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ર્ડા. દેવજીભાઇ પટેલ સર્વાનુમતીથી ચૂંટાઇ આવતાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારત માતાકી જયના નારા સાથે આતશબાજી કરી હતી અને પેંડા ખવડાવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.

પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભાજપના ૨પ સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં નવ મહિ‌લા અને ચાર મુસ્લિમ સદસ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સદસ્ય પૂર્વ પ્રમુખ મહેશભાઇ મુલાણીનું સદસ્યપદ રદ થતાં તેઓ હાજર રહ્યાં ન હતા. જ્યારે એકમાત્ર કોંગ્રેસના સદસ્ય રમેશભાઇ ગોકલાણી પ્રવાસમાં ગયા હોવાથી તેઓ ગેરહાજર રહ્યાં હતા. આમ ર૭માંથી માત્ર ભાજપના જ રપ સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રમુખપદ માટે એકમાત્ર ર્ડા. દેવજીભાઇ પટેલનું ઉમેદવારીપત્ર ભરાયું હતું. જેની કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ પીઢ અગ્રણી રઘુરામભાઇ ઠક્કરે દરખાસ્ત કરી હતી. આમ એક જ ઉમેદવારીપત્ર દાખલ થયું હોઇ પ્રાંત અધિકારીએ ર્ડા. દેવજીભાઇ પટેલને પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જાહેરાત થતાં વેત અગ્રણીઓ અને કાર્યકરોએ પાલિકા કચેરીની બહાર રોડ પર આતશબાજી કરી પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.

રાધનપુરના પૂર્વપ્રમુખ સભ્યપદેથી દૂર
રાધનપુર પાલિકાના ઘટનાચક્રમાં કોંગ્રેસી સભ્યો ભાજપમાં ગયા બાદ પૂર્વ પ્રમુખ મહેશભાઇ મુલાણીને પ્રમુખની ફરજો દરમિયાન સત્તા બહારનું કૃત્ય કરીને ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની ગેરવર્તણૂંક આચરવા બદલ નગરપાલિકા નિયામકે પાલિકાના સભ્યપદેથી દૂર કરવા હુકમ કર્યો છે. જો કે, પૂર્વ પ્રમુખે આ નિર્ણયને રાજકીય ગણાવી કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહ્યા હોવાનું જણાવ્યું હતું.