ઠંડીનો ચમકારો શરૂ થતાં ગરમ કપડાંના બજારમાં ગરમાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ઠંડીનો ચમકારો શરૂ થતાં ગરમ કપડાંના બજારમાં ગરમાવો
-સ્વેટર, જાકીટ, ટોપી જેવા ગરમ કપડાના ઢગલા બજારમાં ધમધમાટ
નૂતન વર્ષના આગમન સાથે વાતાવરણમાં હળવા ઠંડકના સૂસવાટા શરૂ થતાં જ પાટણના બજારમાં ગરમાવો આવવા લાગ્યો છે. હવે દિવસ ટૂંકો અને રાત લાંબી થવા લાગી છે.સાંજ ઢળતાં જ વાતાવરણમાં શિતળ ઠંડક પ્રસરી જતાં ટુ-વ્હીલર ચાલકોને પવનની થપાટો શિયાળાની અનુભૂતિ કરાવી જાય છે.ત્યારે ઠંડીથી બચવા અવનવા કપડાની બજારમાં ખરીદીનો ધમધમાટ પૂરબહારમાં જામવા લાગ્યો છે.
પાટણ શહેરમાં સાંજે ૬ વાગ્યા પછી વાતાવરણમાં હળવી ઠંડીનો ચમકારો શરૂ થાય છે. શિયાળુ ઋતુ દસ્તક દેતાં જ શહેરના આનંદ સાગર નજીક સ્વેટર, જાકીટ, મફલર, ટોપી, કાનની પટ્ટી વગેરેનું ઢગલા બજાર ખડકાયું છે. જ્યાં સવારથી મોડીસાંજ સુધી ઠંડીથી બચવા માટે ઉન, રેશમ બનાવટના વસ્ત્રો ખરીદવા લોકોની ભીડ જામવા લાગી છે.
શહેરના મુખ્ય બજારમાં પણ શનિવાર સાતમના શુભમુહૂર્તથી દુકાનો ખોલી વેપારીઓએ ધંધા-રોજગારના શ્રી ગણેશ કર્યા હતા. જેમાં રેડિમેડ કપડા બજારમાં હવે દિવાળી બાદ સ્વેટર, જાકીટ જેવા ઠંડી સામે રક્ષણ આપતાં કપડા ગોઠવવામાં આવ્યા છે. ઠંડીની સિઝન ધીમા પગલે શરૂ થતાં જ બજારમાં ગરમ કપડાની ખરીદી શરૂ થવા લાગી છે. જેમાં ખાસ કરીને રાત પડતાં બજારમાં ટુ-વ્હીલર ચાલકો ઠંડા પવનથી બચવા હવે સ્વેટર, જાકીટ પહેરતા થયા છે.