એશિયામાં નામ કાઢનાર ગુજરાતના આ પ્લાન્ટનમાં અન્યાયની ઝાંખી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વળતર નહીં મેળવનાર ચારણકાના ખેડૂતો મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે

ગુજરાત સરકાર દ્વારા સાંતલપુર તાલુકાના ચારણકામાં સોલાર પાર્કના નિર્માણ માટે લગભગ ૯૧૮ હેક્ટર એટલે કે, રપ૦૦ એકર જેટલી જમીનો ખેડૂતો પાસેથી સંપાદિત કરી હતી. આ જમીનો પર સોલાર પાર્ક ધમધમતો થઇ ગયો અને વીજ ઉત્પાદન પણ ચાલુ થઇ ગયું હોવા છતાંય ૩૦ જેટલા ખેડૂતોને તેમની જમીનના વળતરના નાણાં મળ્યા ન હોઇ ૧૪ મેના રોજ રાધનપુર આવી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવનાર છે.

ચારણકા સોલાર પાર્ક માટે સંપાદિત કરાયેલી જમીનના ૭/૧૨માં જીપીસીએલની નોંધ પણ પડી ગઇ છે અને વીજ ઉત્પાદન શરૂ થઇ ગયું હોવા છતાંય ખેડૂતોને વળતર ચૂકવાયું ન હોઇ કૃષિ મહોત્સવમાં આવી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આવેદનપત્ર આપીને વળતર ઝડપી ચૂકવવા માંગ કરવામાં આવશે. ખેડૂતોએ જમીન સંપાદન માટે બે વર્ષ અગાઉ સંમતિ આપી દીધી હતી. પરંતુ ૧૧ નંબરનો એર્વોડ થયો ન હોઇ વળતર ચૂકવાતુ નથી.

ખેડૂત શંકરભાઇ માનાભાઇ હરિજનના જણાવ્યા મુજબ, ત્રીસેક ખેડૂતોએ સંમતિ આપી હતી. તેમની જમીન સંપાદન થવા છતાંય વળતર ચૂકવાયું નથી. આ બાબતે જિલ્લા કલેક્ટર, જીપીસીએલ સહિ‌ત વિભાગોને લેખિતમાં રજૂઆત કરવા છતાંય કોઇ પરિણામ આવેલ નથી.

આત્મદાહની ચીમકી આપનારની અટકાયત

ખેડૂત શંકરભાઇ હરિજને મહેસુલમંત્રી આનંદીબહેન પટેલને જમીન સંપાદનનું વળતર ના ચૂકવાતા તેમના પરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો હોઇ એક મહિ‌નામાં વળતર નહીં મળે તો સોલારપાર્કમાં ઘરના તમામ સદસ્યો કેરોસીન છાંટી જીવ આપશે તેવી લેખિત રજૂઆત કરતાં તેના પગલે સાંતલપુર પોલીસે તેમની અટકાયત કરી હતી અને બુધવારે મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતા.

વળતર નક્કી થયું નથી

પ્રાંત અધિકારી આર.બી.ગામિતના જણાવ્યા મુજબ વળતર નક્કી થવા માટે મોકલ્યું છે. જે સરકારમાં મંજૂર થાય ત્યારબાદ ગ્રાન્ટ આવશે અને એર્વોડ જાહેર થયા પછી વળતર ચૂકવાશે.