રાધનપુરમાં આજે કૃષિ મહોત્સવનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કૃષિ અને પશુપાલન સુધારણા મેળાનો મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાપરીયા હનુમાન મેદાનમાં કૃષિ સબંધિત નવી ટેકનોલોજીનું પ્રદર્શન અને સંશોધનની જાણકારી માટે આયોજિત કૃષિ અને પશુપાલન સુધારણા મેળાનું મંગળવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. આ મેળામાં ઉત્તર ગુજરાત સહિ‌ત કચ્છ જિલ્લાના અંદાજે પ૦ હજારથી વધુ ખેડૂતો અને પશુપાલકો જોડાશે.

પાટણ જિલ્લામાં નવમાં કૃષિ મહોત્સવ દમિયાન ૧૪થી ૩૧ મે સુધી સાત કૃષિ રથો તાલુકા પંચાયતની બેઠક પ્રમાણે ક્લસ્ટર વાઇઝ બેઠકના એક ગામમાં જશે અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપશે. મંગળવારે સવારે ૧૦-૩૦થી ૧૦-૪પ દરમિયાન રાધનપુર ખાતે કૃષિ મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પશુ આરોગ્ય અને કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરશે.

આ પ્રસંગે કૃષિ મંત્રી બાબુભાઇ બોખીરીયા, નાણામંત્રી નીતિનભાઇ પટેલ, આરોગ્યમંત્રી પરબતભાઇ પટેલ, પશુપાલન મંત્રી લીલાધરભાઇ વાઘેલા, ગૃહમંત્રી રજનીકાન્તભાઇ પટેલ સહિ‌ત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો જુદાજુદા ખેતીપાકો બાજરીના ડુંડા, તરબૂચ, લીલીખારેક, કેશરકેરી, જીરૂ, કાકડી, દિવેલા, વરીયાળી, શક્કરટેટી, જુવાર, ગુવાર અને લીલા મરચાંથી મુખ્યમંત્રીનું અનેરૂ સ્વાગત કરશે.

લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત ચેક વિતરણ કરાશે
કૃષિ મહોત્સવમાં ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, ખેતીવાડી સહાય યોજના અને પશુપાલનના લાભાર્થીઓને યોજના અંતર્ગત સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવશે.

પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન થશે
પાટણના રાળાભાઇ ભગવાનદાસ પટેલે પોતાની કોઠાસૂઝથી વધુ ઉત્પાદન આપતી વાવેતરના પાકની નવીનજાત સિલેક્શન પદ્ધતિથી વિકસાવી હતી. જ્યારે લિહોડાના નિરવભાઇ જશવંતભાઇ પટેલે ગ્રીન હાઉસમાં વર્ટીકલ પદ્ધતિથી શક્કરટેટીની ખેતીમાં સફળતા મેળવી હતી. જેથી આ બંને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મેળવનાર ખેડૂતોને કૃષિ મહોત્સવમાં શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરવામાં આવશે.

કૃષિ મહોત્સવમાં પશુ સારવાર કેમ્પો થશે
કૃષિ મહોત્સવ દરમિયાન ર૦ મોટા અને ૧૨પ નાના પશુ સારવાર કેમ્પ થશે
મહોત્સવમાં ૩૭૧૧ લાભાર્થીને કૃષિ કીટ્સ, ૨૬૦પને પશુપાલન કીટ્સ અને ૩૨૬પ લાભાર્થીને બાગાયત કીટ્સનું વિતરણ કરાશે.

૩૮૦૯૦ લાભાર્થીઓને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ થશે
ચાલુ વર્ષે ૧૦ હજાર હેક્ટર જમીનમાં સુક્ષ્મ પિયત પદ્ધતિનો અમલ થાય તે માટે ખેડૂતો પાસેથી અરજીઓ લેવાશે.