• Gujarati News
  • Advance Scholarships And Uniform Assistance In Patan District

પાટણ: વિદ્યાર્થીઓને એડવાન્સ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવા સત્રના પ્રારંભે પ્રવેશોત્સવ વખતે લાભાર્થી વિદ્યાર્થીઓને ચૂકવણું કરાશે
- વિદ્યાર્થીના બેન્કના ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા થશે

પાટણ જિલ્લામાં અગાઉના વર્ષોમાં શાળાઓના વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ સમયસર ખૂલ્યા ન હોવાથી સંખ્યાબંધ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં ભારે વિલંબ થયો હતો. પરંતુ આ વખતે પ્રાથમિક શાળાઓમાં નવા સત્રના પ્રારંભે જ લાભાર્થી વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળી જાય તે માટે પ્રવેશોત્સવના સમયગાળા દરમિયાન જ ધો. ૧થી ૮ના અંદાજે ૧.પ૮ લાખ ઉપરાંત લાભાર્થી વિદ્યાર્થીઓને અંદાજે રૂ. ૯૯૯૯૦૦૦૦ ઉપરાંતની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં જ જમા કરાવી દેવા માટેનું તંત્રએ આયોજન કર્યું છે.
શાળાઓમાં અભ્યાસ કરતાં લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની ચૂકવણીમાં ગોટાળા થતાં હોવાની બૂમરાડો ઉઠતી હતી.

જેને પગલે હવે લાભાર્થી વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ મારફતે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ અગાઉના વર્ષે જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ સમયસર ખૂલ્યાં ન હોવાથી શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની ચૂકવણીમાં ભારે વિલંબ થયો હતો. સંખ્યાબંધ વિદ્યાર્થીઓને વર્ષના અંત સુધી શિષ્યવૃત્તિથી વંચિત રહેવું પડયું હતું ત્યારે આ વખતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. ૧થી ૮ના લાભાર્થી બાળકોને નવા સત્રના પ્રારંભે જ એડવાન્સમાં પ્રવેશોત્સવ વખતે જ બેન્ક એકાઉન્ટ મારફતે શિષ્યવૃત્તિ આપી દેવામાં આવશે.

બક્ષીપંચના ૧.પ૦ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે

ઇન્ચાર્જ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાભાઇ નાડોદાએ જણાવ્યું હતું કે, પ્રા.શાળાઓમાં ધો. ૧થી ૮માં અભ્યાસ કરતાં બક્ષીપંચના અંદાજે ૧.પ૦ લાખ ઉપરાંત લાભાર્થી વિદ્યાર્થીઓને આશરે રૂ. ૮.૭૬ કરોડથી વધુ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય બેન્ક એકાઉન્ટ મારફતે પ્રવેશોત્સવ વખતે વિકસતી જાતિ વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે. જ્યારે સમાજ કલ્યાણ અધિકારી એસ.પી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના અંદાજે ૮૧૧૦ લાભાર્થી વિદ્યાર્થીઓને રૂપિયા ૧ર૩૯૦૦૦૦થી વધુ એડવાન્સ શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવનાર છે. જિલ્લામાં હવે ૯૯.૯૯ ટકા બાળકોના બેન્ક એકાઉન્ટ ખૂલી ગયા છે. કોઇક જ બાળકના એકાઉન્ટ ખૂલવાના બાકી હશે તેવું પરમાભાઇ નાડોદાએ જણાવ્યું હતું.

- કોને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર

- ધો. ૧થી ૮ના બક્ષીપંચના છાત્રને રૂ. ૨પ૦
- બક્ષીપંચ પૈકી પછાત જાતિમાં ધો. ૧થી પ માટે રૂ. ૭પ૦ અને ૬થી૮ માટે રૂ. ૯૦૦
- બક્ષીપંચના ૧થી ૮ ધોરણમાં ગણવેશ સહાય રૂ. ૩૦૦
- ધો. ૧થી ૮ના અનુજાતિના બાળકને સામાન્ય રૂ. ૨પ૦, અસ્વચ્છ વ્યવસાય કરતા વાલીના બાળકને રૂ. ૧૮પ૦, અતિપછાત જાતિ માટે રૂ. ૭પ૦

- ધો. ૧મા પ્રવેશ પામતાં બાળકોને બેન્ક એકાઉન્ટ ખોલ્યા બાદ શિષ્યવૃત્તિ મળશે

નવા સત્રમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ વખતે નહીં પરંતુ પ્રવેશ મેળવ્યા બાદ તેમના બેન્ક એકાઉન્ટ ખૂલ્યા બાદ એકાદ માસના સમયગાળામાં બેન્ક એકાઉન્ટમાં જ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય મળશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.