તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણનો ઓજી વિસ્તાર પાંચ વર્ષ પછી પણ પાલિકાની હદ પાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરના આઉટ ગ્રોથ વિસ્તારને નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવવા હદ વધારાની દરખાસ્ત કરાયેલ છે
- આઉટ ગ્રોથ (આજી) વિસ્તારના રહીશોને પાલિકાના પાણીમાં બમણા વેરાનો બોજો


પાટણ શહેરને સ્પર્શતા આઉટ ગ્રોથ વિસ્તારને નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવી લેવા રાજ્યસ્તરે દરખાસ્તના પાંચ વર્ષ પછી પણ પાલિકા હદના વિસ્તારમાં વધારો ન થતાં ઓજી વિસ્તાર આજે પણ ઠેરના ઠેર રહેવા પામ્યો છે. ત્યાંની સોસાયટીઓ હજુ પાલિકા હદમાં સમાવષ્ટિ ન હોવાના કારણે લોકોને પાણી માટે બમણા વેરાનો બોજ વહન કરવો પડે છે.

પાલિકા હદ બહાર પણ શહેરને સ્પર્શતા વિસ્તારમાં છેલ્લા એક દશકામાં રહેણાંક ઝોન વિસ્તર્યો છે. જેમાં ગુંગડી પાટી, સમાલપાટી, સાંડેસરપાટી, બકરાતપુરાપાટી પૈકીનો વિસ્તાર પાલિકા હદમાં નથી. છેક માતરવાડી, હાંસાપુર, ગુંગડીપાટી, ચાણસ્મા હાઇવે વિસ્તાર સુધી રહેણાંક વિસ્તારના રુપે નવું પાટણ વિસ્તર્યું છે. જેમાં કેટલીક સોસાયટીઓ ગ્રામ પંચાયતમાં આવે છે તો કેટલોક ઓજી વિસ્તાર છે. ગત વર્ષે ર૦૦૬-૦૭ના અરસામાં નગરપાલિકા દ્વારા હદ વધારવા માટે રાજ્ય સ્તરે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ઓજી, આઇસોલેટેડ વિસ્તાર તેમજ નજીકના કેટલાક ગામને પણ સામેલ કરાયા હતા. પરંતુ આ ફાઇલ રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં આજે પણ પેન્ડીંગ રહેવા પામી છે.

આઉટગ્રોથમાં અંદાજે ૧૦ હજાર વસતી

શહેરને સ્પર્શતા આઉટગ્રોથ વિસ્તારમાં અંદાજે ૧૦ હજાર જેટલી વસતી છે જેમાં મોટાભાગે સોસાયટીઓ બની છે અને જ્યાં સોસાયટીના ખાનગી બોરની સુવિધા ઉપલબ્ધ નથી એવી સોસાયટીઓ પાટણ પાલિકા પાસેથી પાણીની સુવિધા મેળવે છે. જેમાં ડીસા, ચાણસ્મા હાઇવે, અંબાજી નેળીયા, હાંસાપુર અને માતરવાડી તરફ તેમજ વિવેક મોટર્સ સામેના ઓજી વિસ્તારમાં આવતી અંદાજે ૩૦થી વધુ સોસાયટીઓના રહીશો પાલિકા પાસેથી બમણો ૧૨૦૦ વેરો ભરી પાણીની સુવિધા મેળવે છે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.


હદ વધારાની દરખાસ્ત કરાયેલ છે

પાટણથી રામનગર, માતરવાડી, હાંસાપુર તરફનો વિસ્તાર તેમજ ઓજી વિસ્તારને નગરપાલિકા હદમાં લેવા પાંચ વર્ષ અગાઉ દરખાસ્ત કરાયેલ છે. જે શહેરી વિકાસમાં ઉચ્ચકક્ષાએ ઓજી વિસ્તાર પાલિકા હદમાં આવે તો તેમને પાણી સંમ્પની સુવિધા સહિ‌ત પાલિકાના તમામ લાભો મળી શકે.

હદ વધારો નહીં તો 'પુડા’ની રચના કરો

રાજ્ય સરકાર દ્વારા હજુ પાટણ પાલિકાનો હદ વિસ્તાર વધારો કરવામાં આવ્યો નથી ત્યારે ઓજી વિસ્તારના વિકાસ માટે પાટણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવી જોઇએ. અન્ય જિલ્લામાં આવી ઓથોરિટી છે. પુડાની રચના કરી સરકારની ગ્રાન્ટ હેઠળ ઓજી વિસ્તારનો વિકાસ કરી પાલિકા હદમાં ભેળવી શકાય તેવું સુમાહિ‌તગાર સૂત્રોએ જણાવ્યું હતું.

પાલિકા હદમાં સમાવવા રજૂઆતો કરી છે : રહીશ

સારથીનગર પછી ગુંગડીપાટીમાં આવતી બધી સોસાયટીઓ, આલસોલેટેડ, આઉટગ્રોથ વિસ્તારમાં છે. પંચાયત કે પાલિકા હદમાં ન હોવાના કારણે સુવિધાઓ બાબતે મુશ્કેલીઓ રહે છે ત્યારે નગરપાલિકા હદમાં ભેળવવા અગાઉ મહેસુલ મંત્રીને રજૂઆત કરેલી છે. પાલિકામાં સમાવેશ થાય તો પાણી વેરો પણ બમણો ન ભરવો પડે અને સ્ટ્રીટલાઇટ, સફાઇ સહિ‌તની સુવિધાઓ શહેરના અન્ય વિસ્તારની જેમ મળી શકે અને પાલિકાને વેરાની પણ આવક થાય. લોકોને લાભ મળે, પાલિકાને પણ ફાયદો થઇ શકે. - દિનેશભાઇ પટેલ (પ્રમુખ જ્યોતિપાર્ક સોસાયટી)