'પિયત કરવા જાઉ છું' કહીને ઘરેથી નીકળેલ યુવકનું ખોરસમમાં શંકાસ્પદ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા: ચાણસ્મા તાલુકાના ખોરસમ નજીક સીમ વિસ્તારના અવાવરૂ નેળીયા પાસેની જગ્યામાં ઝાડ નીચે બુધવારે સાંજે ગામના 27 વર્ષિય યુવક ઠાકોર વિક્રમજી હરીજીની મૃત હાલતમાં લાશ મળી આવતાં ચકચાર ફેલાઇ જવા પામી હતી. મૃતક યુવાન સવારે ખેતરમાં પિયત કરવા જાઉ છું તેમ કહીને ઘરેથી નીકળેલ હતો પરંતુ તેમના ખેતરની નજીકના નેળીયા પાસે લાશ મળી આવતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીકરાની લાશ જોઇને પિતા સહિત અન્યો હચમચી ઉઠ્યા હતા.
- યુવાન સવારે ખેતરમાં પિયત કરવા જાઉ છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો
હકીકતની જાણ ચાણસ્મા પોલીસને કરાતાં પી.એસ.આઇ રાદડીયા ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશનું પંચનામું કરી ચાણસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇ લાશનું પીએમ કરાવી વાલીવારસોને સોંપી હતી. મૃતક યુવાનના પિતા હરીજીએ જણાવ્યા મુજબ તેઓ અને તેમના મૃતક પુત્ર વિક્રમ બુધવારે સવારે 6:30 વાગ્યેથી 8 વાગ્યા સુધી ખેતર ખેડવા ગયા હતા. બાદમાં 9 વાગે ઘરે પરત આવ્યા હતા. તે પછી વિક્રમજી ખેતરે પિયત કરવા જાઉ છું તેમ કહીને પાવડો લઇ ખેતરે ગયો હતો.
જે બપોરે 3 વાગ્યા સુધી પણ ઘરે ન આવતાં ખેતરે તેની ભાળ મેળવવા જતાં ખેતરમાં પાવડો પડ્યો હતો. આ સમયે બાજુના બોરના ઓપરેટર બાબુભાઇ પટેલે મૃતકના પિતાને તમારો દીકરો ક્યાં ગયો છે. તેમ પૂછતાં તેમણે પિયત કરવા આવ્યો તે પછી ઘરે આવ્યો નથી તેમ કહેતાં બાબુભાઇએ તમારા ગામના ઠાકોરે બાજુમાં કોઇ લાશ પડી હોવાની જાણકારી આપેલ છે. તેવી વાત કરતાં તેને પગલે ત્યાં જઇને તપાસ કરતાં મૃતક તેમનો દીકરો હોવાનું જણાયું હતું.
શકમંદોની પૂછપરછ ચાલી રહી છે
આ ઘટનામાં તપાસ ચલાવતા પીએસઆઇ રાદડીયાએ જણાવ્યું હતું કે ખોરસમ ગામ વિસ્તાર ના નેળીયા પાસેથી મળેલી ઠાકોર યુવાનની લાશનું પંચનામું કરી લાશનું પીએમ કરી એફએસએલની મદદ લેવામાં આવી છે. પરિવારજનોએ હત્યા થયાની રજૂઆત કરી હોઇ હાલમાં તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હાલમાં જાણવા જોગ નોંધ કરાઇ છે.
આગળની સ્લાઇડમાં વાંચો, હત્યા કે આત્મહત્યા : ઘૂંટાતુ રહસ્ય...
અન્ય સમાચારો પણ છે...