તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલાટીની પરીક્ષામાં 60 મિનિટમાં 100 ઉત્તર આપતાં ઉમેદવારોને પરસેવો થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: ગુજરાત ગૌણ પંસદગી સેવા મંડળ દ્વારા રવિવારે મહેસૂલ તલાટીની જગ્યા માટે રાજ્યભરમાં લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાટણ જિલ્લાના 72 કેન્દ્રોમાં 23275 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે 100 માર્કસની ઓએમઆર પધ્ધતિથી લેવાયેલ આ પરીક્ષામાં 60 મિનિટમાં 100 પ્રશ્નના ઉત્તર આપવાના હોઇ ઘણા ઉમેદવારોને સમય ખૂટી પડતાં કેટલાક પ્રશ્નો છૂટી ગયા હતા, તો ઘણા ઉમેદવારોએ સમય અવધિ પૂર્ણ થવા આવતાં બાકી રહેતા પ્રશ્નોના ઉત્તર અડસટ્ટે જ લખી દીધા હતા. ઉમેદવારોના મતે પેપરમાં પ્રશ્નો જ લેન્ધી હતા, એટલે એક કલાકમાં તમામ પ્રશ્નો સોલ્વ કરવા અધરા પડ્યા હતા.

- જિલ્લામાં કુલ 28551 ઉમેદવારો પૈકી 23275એ પરીક્ષા આપી, 5376 ગેરહાજર રહ્યા
- પાકિસ્તાનના કયા વિસ્તારની યુનિવર્સિટીમાં તાજેતરમાં આતંકવાદી હુમલો થયો હતો

જિલ્લામાં પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, રાધનપુર, હારિજ, શંખેશ્વર સહિત તાલુકા મથકો પરની કુલ 72 શાળા- કોલેજોમાં એકસાથે આટલી સંખ્યામાં ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષાના પગલે સવારે 11 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો, વાલીઓની ભીડ રહી હતી. જેમાં બપોરે 12થી 1 દરમિયાન એક કલાકના પેપરમાં 100 ગુણના 100 પ્રશ્નો પૂછાયા હતા. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ પૈકી એક પસંદ કરીને ઉમેદવારે સુચવવાનો હતો.

જોકે પેપર લાંબુ લચક રહેતા ઉમેદવારોને એક કલાકનો સમય ઓછો પડ્યો હતો. જિલ્લામાં કુલ 28651 પૈકી 23275 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 5376 ગેરહાજર રહ્યા હતા. ઉમેદવાર પ્રકાશ ચૈાધરી, દિલીપસિંહ રાજપૂત, અવિનાશ, પીંન્કેશ પટેલે કહ્યું કે, દરેક પ્રશ્ન વાંચવો, વિચાર કરવો અને જવાબ પસંદ કરી સુચવી દેવા પાછળ માંડ 33 સેકન્ડ મળે એવી સ્થિતિ હતી.

એમાંયે પ્રશ્નો બે-ત્રણ લીટીમાં લાંબા, કેટલાક ગાણિતીક અને જોડકાવાળા હતા, ક્યાંથી એક કલાકમાં પેપર પૂરું થાય. પાંચ –છ પ્રશ્નો છૂટી ગયા. એક પ્રશ્ન પાકિસ્તાનના કયા વિસ્તારની યુનિ.માં તાજેતરમાં આતંકવાદી હુમલો થયો હતો તેવો પૂછાયો હતો. આ સાથે કેટલાક સાહિત્યના પ્રશ્નો સહેલા હતા.

પરીક્ષાર્થીઓને સમય ખૂટ્યો
પેપરમાં કુલ 100 પ્રશ્નો પૈકી 10 પ્રશ્ન બેથી ત્રણ લીટીમાં,11 પ્રશ્ન ગાણીતીક અને 12 પ્રશ્ન જોડકાના હતા. આ પ્રશ્ન સમજીને સાચો વિકલ્પ નક્કી કરવામાં જ વધુ સમય લાગ્યો. એક કલાકમાં 100 પ્રશ્નો પેપરમાં વિચારવા માટે ઉમેદવારો પાસે સમય જ રહ્યો નહોતો.

હારિજ કેન્દ્રમાં આઇકાર્ડ વિનાના કેટલાક ઉમેદવારો અટવાયા બાદ બેસવા દીધા
તલાટીની પરીક્ષામાં ઉમેદવારો માટે આઇકાર્ડ રાખવુ ફરજિયાત હતું. જોકે હારિજ ઠક્કર વિદ્યામંદિર શાળા કેન્દ્રમાં કેટલાક ઉમેદવાર પાસે આઇકાર્ડ ન હોવાથી અટવાયા હતા. જેમાં કેટલીક વિદ્યાર્થિનીઓ પાસે આઇડી પ્રુફ નહોતું. જોકે આ બાબતે વાલીઓએ વિનંતી કર્યા બાદ શાળા સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ ફોનથી સંમતી મેળવ્યા બાદ તેમને પરીક્ષામાં બેસવા દીધા હતા.

પાટણના એમ.કે.યુનિટ-2માં એક વિદ્યાર્થી પાસેથી મોબાઇલ જપ્ત કરાયો
પાટણ એમ.કે.યુનિટ-2 પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા દરમિયાન ડીઓ વિઝીટમાં નિકળ્યા હતા. ત્યારે બ્લોક 6માં સુપરવાઇઝરે કોઇની પાસે મોબાઇલ હોય તો આપી દેવા સૂચવ્યુ હતું. જેમાં એક વિદ્યાર્થીએ તેના ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને સુપરવાઇઝરને સોપ્યો હતો. આ મોબાઇલ તપાસ અર્થે જપ્ત કરાયો હતો. ખંડ નિરીક્ષક, સુપરવાઇઝર અને અમારી સહી કરી કવરમાં મોબાઇલને પેક કરવામાં આવ્યો હતો તેમ કેન્દ્ર સંચાલક કનુભાઇ પટેલે જણાવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...