ડેમોમાંથી પાણી છોડાતા સાંતલપુરમાં ફરી સંકટ, 1500 લોકોને સલામત ખસેડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: બનાસ નદીમાં આવેલ પૂરનો પ્રવાહ  હળવો થવા છતાં આ વિસ્તારમાં સંકટ હજુ ટળી ગયું નથી. ગઇ રાત્રે પાણી ઓસરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પણ ગઇકાલે છોડાયેલ પાણી અને ગામડાનું પાણી શુક્રવારે નદીમાં સવારે આવતાં ફરીથી પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેને લઇ લોકોની ચિંતા  વધી હતી. દરમ્યાન શુક્રવારે વધુ 16000 ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. બીજી તરફ માનવ જિંદગીઓને બચાવી લેવા માટે સેના અને એનડીઆરએફ સહીતના જવાનોનો સંઘર્ષ જારી રહ્યો હતો.

1500 લોકોને સલામત સ્થળે ખસેડાયા

શુક્રવારે વધુ કોઇ માનવ મૃત્યું ધ્યાને આવ્યુ નથી. 1500 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. 83000 ફુડ પેકેટ અસર ગ્રસ્તોને વહેચાયા હતા. છાણીયાથરની સગર્ભા સહીત 8 લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી બચાવાયા હતા. તેમ કલેકટર આનંદ પટેલે જણાવ્યુ઼ હતું. દરમ્યાન ગામે ગામ ભારે ખુવારીની આશંકાઓ વચ્ચે તંત્ર દ્વારા સર્વે શરુ કરવામાં આવ્યો છે. શનિવારે કેન્દ્રીય કૃષિમંત્રી પાટણ અને બનાસકાંઠાની મુલાકાતે આવનાર છે.

રાધનપુર, સાંતલપુરના રસ્તાઓ હાલે બંધ હાલતમાં

રાધનપુર, સાંતલપુર તાલુકાના મોટા ભાગના રસ્તાઓ હાલે બંધ હાલતમાં છે. સાંતલપુર, વારાહી આસપાસ વિકટ પરિસ્થિતિ આજે પણ રહી હતી. વારાહી જવા નીકળેલા અને પાછા આવેલા લોકોએ જણાવ્યું કે વારાહી અને લીમગામડા વચ્ચે આવતી બનાસના ફાંટીયામાં ભારે જોરથી પાણી દોડતા હતા. પાણી ઝડપથી પસાર થતા ન હોઇ ચિંતા વધી રહી છે. જો ઉપરવાસમાંથી વધારે પાણી છોડાય તો કેવી હાલત થશે તેની ફડક લોકો અનુભવી રહ્યા છે. જોકે પાંચ દિવસ પછી છેવાડાના વિસ્તારમાં તમામ ગામોએ લોકોને મદદ કરી શકાઇ હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 16000 કયુસેક પાણી છોડવામાં આવ્યું....
અન્ય સમાચારો પણ છે...