• Gujarati News
  • Police Combing Due Gang War Criminals In The Underground In Patan

પાટણ: ગેંગવોરના પગલે પોલીસ કોમ્બિંગ, ગુનેગારો ભૂગર્ભમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકારાત્મક)
-પાટણના 6 વિસ્તારોમાં એસઆરપી- પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત

પાટણ:પાટણ શહેરમા લઘુમતી જ્ઞાતિના બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગેંગવોરની ઘટનાઓના પગલે શહેરના છ વિસ્તોરમાં પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવામ માટે કોમ્બિંગ હાથ ધરતા ગુનાખોર તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આખા વિસ્તારમાં પોલીસની કાર્યવાહીથી સન્નાટો ફેલાઇ ગયો હતો. જોકે વધારાનો કોઇ આરોપ કોમ્બિંગમાં પકડાયો નથી. કેટલાક તિક્ષ્ણ હથિયારો પકડાયા હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
પાટણ શહેરમાં બે જૂથો વચ્ચે અંગત અદાવતોને લઇ ગેંગવોર શરૂ થતા અને તેના લીધે શહેરના શાંત વાતાવરણમાં ભંગ થાય તેવી હાલત સર્જાઇ હતી. કોઇ અઘટીત ઘટના બને નહીં અને તમામની સલામતી જળવાઇ રહે તે માટે શહેરના ગુલશનનગર, મન્નત સોસાયટી, ઇકબાલચોક, ગંસીપીર, બોકરવાડો અને મોટી મદ્રેસા પાસે એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
દરમિયાન બે- ત્રણ દિવસથી આ વિસ્તારમાં એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અને એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ટીમો પાડીને આ બધા વિસ્તારોમાં કોમ્બિંગ કરી આરોપીઓને પકડવા માટે ધોંસ વધારી છે. પોલીસ આ મામલામાં સંડોવાયેલા અને અન્ય શંકાસ્પદોને શોધી કાઢવા માટે ખૂણેખૂણો ફંફોસવાનું શરૂ કરતા તોફાન કરતા તત્વો નૌ દો ગ્યારહ થઇ ગયા હોવાનુ પોલીસે જણાવયું હતુ.
આરોપીઓ નાસી ગયા છે શોધખોળ ચાલુ છે : પોલીસ
એલસીબી પીઆઇ એમ.એસ.રાણાએ જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયુ છે. જોકે આરોપીઓ તેમના ઘરે કે અન્ય સ્થળોએથી મળી આવ્યા નથી. તેઓની શોધખોળ ચાલી રહી છે. વધુમાં અન્ય કોઇ ગુનાહીત કૃત્ય ન થાય અને શહેરના તમામ વિસ્તારોમાં પૂર્વવત માહોલ બની રહે તે માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
કેટલાક તિક્ષ્ણ હથિયારો મળી આવ્યા
પીએસઆઇ આર.કે.પરમારે જણાવ્યા મુજબ ગેંગવોરની ઘટનામાં 9 આરોપીઓ જે તે સમયે પકડી લેવાયા હતા. બાકીના 8 આરોપીઓની તલાશ ચાલી રહી છે. ઘટના બની ત્યારે કેટલાક તિક્ષ્ણ હથિયારો પણ પોલીસે કબ્જે લીધા હતા. જોકે રિવોલ્વર કોઇની પાસેથી મળી આવી નથી.