પાટણ: પાટણ જિલ્લાના વરાણા ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની અનોખી ઊજવણી ચાર વેદોના પૂજન થકી કરવામાં આવી હતી. જેમાં સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન અને મૂલ્યો જીવનમાં ઉતારવા હાકલ કરાઇ હતી. યુવા સંન્યાસી નિજાનંદજી સ્વામીએ આ પ્રસંગે ઇસરોના વૈજ્ઞાનિક, ઇન્ડિયન આર્મીના કર્નલની ઉપસ્થીતિમાં પ્રેરક પ્રવચનમાં ચાર વેદોમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે. માત્ર તે દિશામાં નજર કરવાની જરૂર છે.
ઇસરોના વૈજ્ઞાનિક અને ઇન્ડિયન આર્મીના કર્નલ પણ હાજર રહ્યા હતા
રાધનપુર, વઢીયાર, પાટણ અને બેચરાજી વિસ્તારના સેવકોના પ્રયાસથી ગુરૂપુનમનો પહેલીવાર અનોખો કાર્યક્રમ માતા આઇ ખોડીયારના સાંનિધ્યમાં યોજાયો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ ચાર વેદનું અને સ્વામીજીનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નાગરજી ઠાકોર, મહેસાણાના જોહન એનર્જી કંપનીના દિલીપભાઇ વ્યાસ, ઇસરોના વૈજ્ઞાનિક પ્રો. રમેશ પંડ્યા અને આર્મીના કર્નલ દેવેન્દ્રપાલસિંહ હાજર રહ્યા હતા. પ્રસંગમાં સહયોગી બનેલા નિલેશ રાજગોર, વિનોદ ગોકલાણી, હર્ષ મહેતા સહિત અન્યોનું અભિવાદન કરાયું હતું.
સ્વામીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ભારતભરમાં આ એકજ સ્થળે આવો વેદપૂજાનો કાર્યક્રમ થઇ રહ્યો છે. જ્ઞાનની ગંગોત્રી રૂગવેદમાંથી ઉદભવી છે. માનવજાત તરફથી પ્રયોજનની શરૂઆત માત્ર વેદોએ કરી છે. પહેલુ સાયન્સ વેદોમાંથી અવતર્યું છે. સાયન્સના છાત્રો માટે સંશોધન કરવા જેવા અનેક રહસ્યો છે. જેનું ભાથુ ચાર વેદોમાંથી મળી શકે છે. રૂગવેદ, યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ તરફથી આપણે માર્ગ ભૂલી ગયા છીએ. રાજ્યના ગૃહમંત્રી રજનીકાન્ત પટેલે કહ્યુ કે, તમામ દિશાએથી આપને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાય છે. ઉત્સવોથી આપણને ઉર્જા મળે છે.
સિદ્ધપુરમાં સૌપ્રથમવાર સાંઇયાત્રા નીકળી
સિદ્ધપુરમાં રામજીમંદિર, લક્ષ્મીનારાયણ મંદિર તેમજ નદીતટે આવેલા હિંગળાજમાતાજી મંદિર આશ્રમે હંસાનંદજી મહારાજની સમાધિ સ્થળે મદ્રાસ મુંબઇ સુરત કલોલ કડીથી ભક્તો પાદુકા પૂજન અર્થે આવ્યા હતા. સ્વયંભૂ અરવડેશ્વર મહાદેવના સંત દેવશંકરબાપાના આશ્રમે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ભક્તો દર્શને પધાર્યા હતા. સિદ્ધેશ્વર મહાદેવ પરિસરમાં ચંદુદાદા પાઠકજીના આશ્રમે તથા સાંઇબાબાના મંદિરેથી એક ભવ્ય સાંઇયાત્રા ડી.જે.ના ભજનો સાથે જોડાયાં હતા.રામજીમંદિર ખાતે બ્રહ્મલીન પ.પૂ.કાન્તીદાસજી મહારાજનાં દર્શન ડો.ચેતનભાઇ ઠકકર ઉધોગપતિ મયંકભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.