પાટણ:બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી વિશે અભદ્ર ટીપ્પણી કરતા ઉત્તર પ્રદેશ ભાજપના માજી ઉપાધ્યક્ષ દયાશંકરના વિરોધમાં પાટણના બગવાડા દરવાજા ખાતે બસપાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ દ્વારા 11 કાર્યકરોને ડીટેઇન કરીને તાલુકા પોલીસ મથકે લઇ જવાયા હતા અને બાદમાં તમામને મુક્ત કરાયા હતા.બગવાડા ચોકમાં પોલીસની પરવાનગી વગર બસપાના કાર્યકરો રસ્તા રોકો આંદોલન જેવો કાર્યક્રમ કરવાના હોવાની જાણકારી પોલીસને મળતા એ અને બી ડિવિઝન પી.આઇ સહિત પોલીસ કાફલો એક કલાક અગાઉથી બંદોબસ્તમાં ગોઠવાયો હતો.
જ્યાં બપોરે 1.15 વાગ્યના અરસામાં બસપાના જિલ્લા પ્રભારી સુરજ પરમાર, જિલ્લા પ્રમુખ જગદીશભાઇ પરમાર સહિત કાર્યકરો બગવાડા ખાતે એકત્ર થયા અને ત્યાં અભદ્ર ટીપ્પણીના વિરોધમાં પૂતળા દહન માટે એક પૂતળુ પણ તૈયાર કરીને રાખ્યુ હતું. જોકે પોલીસની નજરમાં આ પૂતળુ આવી ગયુ હતુ. ત્યારે કાર્યકરોએ પૂતળા દહન કાર્યક્રમ કરાયો હતો. કાર્યકરો ર્ડા.બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરીને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા સિધ્ધરાજ જયસિંહની પ્રતિમા આગળ રસ્તામાં સૂઇ જઇને રસ્તા ચક્કાજામ કરવા લાગ્યા હતા.
ચાણસ્મા ખાતે અભદ્ર શબ્દો લખાતાં હોબાળો
ચાણસ્મા ખાતે મામલતદાર કચેરી રોડ પર અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષના ત્રીજા માળે દિવાલો પર અજાણ્યા શખસો દ્વારા દલિતોની જાતિ વિષયક અપમાન થાય તેવા અપશબ્દો લખ્યા હતા અને આંબેડકર કલાસીસનું બોર્ડ પણ તોડી દેવાતાં ઉગમણા દરવાજા બહારના મહિલાઓ અને પુરૂષોએ ગુરૂવારે ચાણસ્મા પોલીસ મથકે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરાય તે માટે ફરિયાદ કરાઇ હતી. રોહીતવાસના વિશાલ ડોડીયાએ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયઅેસપી એલ.જે.સોલંકીએ જણાવ્યું હતું કે, દલિત સમાજને અપમાનિત કરતા શબ્દો લખનાર અંગે તપાસ હાથ ધરવામાં આવશે.