પાટણ: સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડ ફરજિયાત નથી તેવો નિર્દેશ કરવામાં આવેલ હોવા છતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સેવાઓ મેળવવા આધારકાર્ડની ફરજિયાત પણે માંગ કરાતી હોવાથી ગુરુવારના રોજ વાઘરોલ અને રસુલપુર ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જિલ્લા પુરવઠા વિભાગ બેંકો શાખાઓ આંગણવાડીઓ સેવા મંડળીઓ સ્ટેમ્પ નોંધણી રજીસ્ટાર મોબાઇલ કંપનીઓ તથા અન્ય વિભાગો દ્વારા જે તે લાભો મેળવવા માટે તેમજ જરૂરી સેવાઓ ચાલુ રખાવવા માટે ફરજીયાત પણે આધારકાર્ડની માંગણી કરે છે.
જ્યારે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં નિર્દેશાનુસાર તા.31 ડિસેમ્બર સુધી જરૂરી સેવાઓ માટે આધારકાર્ડ ફરજિયાત નથી અને આધારકાર્ડ વગર કોઇપણ નાગરીકને તેના મુળભૂત અધિકારોથી વંચિત રાખી શકાય નહીં તેમજ સરકારી લાભો કે સહાયથી પણ વંચિત રાખી શકાય નહીં અને તેની સેવાઓ પણ બંધ રાખી શકાય નહીં. અને જો કોઇ નાગરિક તેના મૂળભૂત અધિકારોથી વંચિત રહે તો તે અંગે આધારકાર્ડ ફરજિયાત અમલ અટકાવવાની માંગ સાથે પાટણ નાયબ કલેકટર બી.જી.પ્રજાપતિને આવેદન સુપ્રત કરી રજુઆત કરી હતી.
આ કાર્યક્રમમાં વાઘરોલ અને રસુલપુરના ગ્રામજનો જોડાયા હતા. જો કે, આ અગાઉ આધારકાર્ડ ફરજીયાત બનાવવાના વિરોધમાં રાફુ, કાકોશી, પચકવાડા, મેશર, કાતરા અને વડુ ગામના રહિશો દ્વારા પણ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.