પાટણ: પાટણ ખાતે સબજેલમાં દિવસો ગાળી રહેલા પાસ નેતા
હાર્દિક પટેલ સહિત ત્રણ પાટીદાર આગેવાનોની જામીન અરજી બુધવારે પણ ચાલી શકી ન હોતી.જ્યારે આજે ત્રણેયના વકીલો દ્વારા તપાસ અધીકારી જાણી બુઝીને હાજર રહેતા નથી તેવું કારણ દર્શાવી વચગાળાના જામીન આપવા માટેની અરજી કરાઇ હતી. જેમાં અારોપીઓની રેગ્યુલર અને વચગાળાની બંને જામીન અરજીની સુનાવણી 8 સપ્ટેમ્બરે રાખી હોવાનું વકીલ રાજુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. પાટણ પોલીસે પાસ કન્વીનર હાર્દિક પટેલ, દીનેશ બાભણીયા અને મહેન્દ્ર ઉર્ફે મહેશ પટેલની ધરપકડ કરાઇ હતી. જેમના રીમાન્ડ પુરા થયા બાદ જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા જેઓની જામીન અરજી અત્રે સેસન્સ કોર્ટમાં રજુ થઇ હતી.
તપાસ અધિકારી હાજર ન રહેતા હોવાની રાવ
બુધવારે એડીશનલ સેસન્સ જજ બી.બી.પાઠકની કોર્ટમાં જામીન અરજી હાથ ધરાનાર હતી પણ તપાસ અધિકારી શહેર બી ડીવીઝન પીઆઇ જે.બી.પંડીત આ કેસની તપાસ માટે રાજકોટ બાજુ ગયેલા હોઇ હાજર રહી શક્યા ન હોતા તેથી આજે પણ સુનાવણી થઇ ન હોતી. છેવટે ત્રણેયના વકીલો આર.ડી દેસાઇ, મહેન્દ્ર પટેલ અને એમ.એચ.પટેલે તપાસ અધિકારી જાણી બુઝીને હાજર રહેતા નથી તેવું કારણ દર્શાવી વચગાળાના જામીન આપવા કોર્ટમાં અરજ ગુજારી હતી. આમ રેગ્યુલર અને વચગાળાની જામીન અરજીની સુનાવણી હવે 8 સપ્ટેમ્બરે રખાઈ છે તેમ વકીલે જણાવ્યું હતું.