રાધનપુરમાં પાણી નિકાલ કરવામાં નિષ્ફળતા સામે લોકોનો ચકકાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર: પાટણ જિલ્લાના સરહદી મહત્વના સેન્ટર રાધનપુરમાં વરસાદ ખમૈયા થઇ ગયાને અને નદીના પુરના પાણી ઓસરી ગયાને દશ બાર દિવસો થઇ ગયા પછી પણ શહેરમાં પાણી નિકાલ કરવામાં પાલીકા તંત્ર નિષ્ફળ જતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. છેવટે શુક્રવારે ચક્કાજામનો કાર્યક્રમ આપવો પડ્યો અને ત્યારે દોડતા થઇ પાલીકા તંત્રએ પાણી નીકાલ કામગીરી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે બ્રિજથી ભણશાળી ટ્રસ્ટ સુધી પાટણ હાઇવેની બંને ધરીઓ તુટી ગઇ છે. ડાબી સાઇડે કાચી કેનાલ કરવા છતા સમસ્યાનો અંત આવ્યો નથી.

નદીના પૂર ઓસર્યા પણ શહેરના અંદરના માર્ગો પર હજુ પાણીથી ઘેરાયેલા

રાધનપુરનું પાલિકા તંત્ર એટલી હદે રેઢીયાળ છે કે વરસાદ અટક્યાને બાર બાર દિવસ થવાં છતાંય આજે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ગૌરવ પથ ઉપર પાણી ભરાયા છે છતાંય આ પાણીનો નિકાલ કરવાની પાલિકા તંત્રને ફુરસત નથી. મળતી એસટી સ્ટેન્ડથી ભાભર જવાના માર્ગ ઉપર આવેલ ગોઠવાડ તેમજ લાલબાગના પાછળના ભાગે બાર-બાર દિવસથી પાણી ભરાયા હતા. અવાર નવાર રજૂઆતો છતાં પાલિકા તંત્ર વાત સાંભળતું ન હતું.

છેવટે તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઇ ઠાકોરની અાગેવાની હેઠળ દેવીપૂજક સમાજના 200થી વધુ સ્ત્રી-પુરૂષો અને બાળકોએ રસ્તા વચ્ચે બેસી જઇને ચક્કાજામ કરતાં માર્ગ ઉપરની અવર જવર અટકી જતાં પાલિકા તંત્ર દોડતું આવ્યુ હતું. અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તથા સ્ટાફે યુધ્ધના ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની ખાત્રી આપતા લોકો રસતા ઉપર ઉઠી ગયા હતા.

પાલિકા તંત્રએ તાત્કાલિક જેસીબી લગાડયું અને જે ગટર મહિનાઓની બ્લોક થઇ ગઇ હતી એ સાફ કરવાની કામગીરી ઉપરાંત મશીન લગાડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતા આ વિસ્તારના લોકોએ રાહતોનો દમ લીધો હતો. જો આજ રીતે શહેરના અન્ય વિસ્તારના લોકો પણ જાગૃત બને તો તાત્કાલિક પ્રશ્નો હલ થઇ શકે છે. તેમ સુરેશભાઇ ઠાકોરે જણાવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...