પાટણ નજીક સુજનીપુર પાસે જિનિંગ મિલમાં શોટ સર્કિટથી આગ ભભૂકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: પાટણ નજીક સુજનીપુર પાસે આવેલી સદારામ જિનિંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે સવારે હુપર મશીનમાં  શોટ સર્કિટ થતાં રૂમાં આગ ભડકી હતી.  આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતાં કપાસના  140 ગાડી જથ્થા પૈકી  મોટાભાગનો નાશ પામ્યો હતો. ફાયર ફાઇટરની મદદથી 2 કલાકે  આગ કાબૂમાં આવી હતી.
 
પાટણ-શિહોરી હાઇવે પર  સુજનીપુર નજીક સદારામ જિનિંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે સવારે 9-30 વાગે વીસેક મજૂરો કામ કરતા હતા. ત્યારે હુપર મશીન દ્વારા માલના વહન સમયે અચાનક શોટ સર્કિટ થતાં  આગ લાગી હતી અને જોતજોતામાં  બીટી કપાસના રૂમાં  પ્રસરી ગઇ હતી. ઘટનાના પગલે પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટર, ડીઝાસ્ટર, સરસ્વતી મામલતદાર, પાટણ તાલુકા પીઆઇ એલ.એચ.ચાવડા, સુજનીપુર ગ્રામજનો સહિત અધિકારીઓ- કર્મચારીઓ  ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 
પાટણથી ફાયર ફાયટરને આવતા 25 મિનિટ જેટલો સમય થયો હતો, તે અરસામાં જિનિંગમાં લગાવેલા 10 કોકની મદદથી પાણીનો મારો ચલાવાયો હતો. 2 ફાયર ફાઇટર, 5 ટેન્કરોની  મદદથી દોઢ બે કલાકે આગ પર કાબુ મળ્યો હતો. સ્થાનિક  અગ્રણી અમરતજી ઠાકોર, માવજીભાઇ ચૌધરી તેમજ પાટણથી ભરતભાઇ ભાટીયા, અશ્વિનભાઇ પટેલ દોડી જઇ બચાવમાં લાગ્યા  હતા.
 
જિનિંગ માલિક ચંદનજી ઠાકોરે જણાવ્યું કે,  બીટી કપાસનો 140 ગાડી માલ ભર્યો હતો, જે મોટેભાગે બળી ગયો છે. જોકે  જિનિંગના શેડ અને મશીન નુકસાન થયું નથી અને મજૂરોને  પણ કોઇ જાનહાનિ થઇ નથી.
 
પાટણ તાલુકા પીઆઇ આઇ.એચ.ચાવડા અને એએસઆઇ મહોતજીએ જણાવ્યું કે, એફએસઅેલ દ્વારા તપાસ કરાવાશે. પંચો અને ફરિયાદીના જણાવ્યા મુજબ 7 કરોડનો માલ હતો, કેટલું નુકસાન થયું તેનો સર્વે ચાલી રહ્યો છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...