તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 લાખની માગણી નહીં સંતોષાતાં ઊંઝાના વેપારીની ગાડીની તોડફોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરની આશ્રમ ચોકડી નજીક હોટલ પર ઊભેલા ઊંઝાના વેપારી ઉપર રૂ.50 લાખની સગવડ કેમ નથી કરી તેમ કહી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. વેપારીની ગાડીના કાચની તોડફોડ કરી ગાડીમાંથી રૂ.25 હજારની રોકડ ભરેલું પર્સ લૂંટી ફરાર થઇ ગયા હતા. જે અંગે વિજાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

ઊંઝા તાલુકાના કામલી ગામના અને હાલ મહેસાણામાં રાધનપુર રોડ સ્થિત શેલજા શરણંમ સોસાયટીમાં રહેતા સંજયકુમાર મફતલાલ પટેલ ઊંઝા ગંજબજારમાં પેઢી ધરાવે છે. તેઓ 9મીએ રાત્રે વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે વિજાપુરની આશ્રમ ચોકડી નજીક હોટલ પર નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. તે સમયે 10 વાગે યશવંતસિંહ રાજપુત, ઊંઝાની શિવદર્શન સોસાયટીમાં રહેતા પટેલ રૂત્વીક પ્રહલાદભાઇ તથા બીજા બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને સંજયભાઇને અઠવાડિયા અગાઉ 50 પેટીની સગવડ કરી રાખવા કહ્યું હતું. તે કેમ નથી કરી તેમ કહી ઝપાઝપી કરી ધોકા, લોખંડની રોડ અને સિમેન્ટના બ્લોકના પથ્થરથી તેમની વોલ્વો ગાડી (GJ 03 HK 5778)ના કાચની તોડફોડ કરી હતી. તેમજ ગાડીમાંથી કાળુ પર્સ જેમાં બેંકના ચેક, આધારકાર્ડ, પાનકાર્ડ તથા રોકડ રૂ.25 હજાર હતા તેની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. જે અંગે સંજય પટેલે વિજાપુર પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...