ચાર ફોર્મ અમાન્ય થતા ચૂંટણીમાં બીજા ઈવીએમની શક્યતા ટળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત 18 ઉમેદવારો એ 22 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી શુક્રવારે ચાર ફોર્મ અમાન્ય થયા હતા જ્યારે 14 ફોર્મ માન્ય રહ્યા હતા. ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઇ હતી.

પાટણ લોકસભા બેઠક પર ભરાયેલા 22 ઉમેદવારી ફોર્મ ની ઓબ્ઝર્વર તુકારામમુડે અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચકાસણી કરવામાં આવી હતી જેમાં નંદાજી વાઘાજી ઠાકોર ભાજપના અને ચંદનજી તલાજી ઠાકોર કોંગ્રેસના ડમી ઉમેદવાર હોવાથી તેમના ફોર્મ અમાન્ય થયા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર જંગરાલ ગામના ધવલ ઈશ્વરભાઈ ઠક્કર અને રાણપુર ગામના અપક્ષ ઉમેદવાર હર્ષદ ભાઈચીમનભાઈ મેવાડા ના ફોર્મ ક્ષતિઓ ના કારણે રદ થયા હતા ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 15થી વધુ ઉમેદવાર હોય તો ચૂંટણીમાં બે ઇવીએમ મશીન મતદાન માટે મૂકવા પડે છે 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી ચૂંટણીમાં બીજું ઇવીએમ મૂકવું પડે તેવી શક્યતાઓ ઊભી થઇ હતી પરંતુ બે ડમી અને બે અપક્ષ મળી કુલ ચાર ફોર્મ અમાન્ય થતા હવે માત્ર 14 ઉમેદવારો જ રહેતા બીજું ઇવીએમ મૂકવું પડે તેવી શક્યતાઓ રહી નથી.

આ ક્ષતિઓ ના કારણે ફોર્મ રદ થયા
અપક્ષ ઉમેદવારી કરનાર ધવલભાઈ ઠક્કરના ઉમેદવારી ફોર્મ તેમના 10 ટેકેદારોની સહી નથી જ્યારે હર્ષદભાઈ મેવાડાના ઉમેદવારી ફોર્મમાં મતદાર યાદીનો ભાગ નંબર અને ક્રમાંક નંબર દર્શાવવામાં આવ્યો નથી તેવું ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...