પતિ અને પિતાએ સાથે લઇ જવાનો ઇન્કાર કરતાં મહિલાએ નારીગૃહમાં જવા પસંદ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં લગ્નના 3 વર્ષ બાદ અસહ્ય માર મારી 2 વર્ષના પુત્ર સાથે પતિએ કાઢી મૂકતાં આખી રાત દુકાનના પાટિયે વિતાવનારી મહિલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી હતી. અહીં કાઉન્સેલીંગ છતાં પતિ તો ઠીક પિતાએ પણ આર્થિક કારણ રજૂ કરી પુત્રીને રાખવાનો સાફ ઇન્કાર કરતાં હતપ્રભ મહિલાએ આખરે પુત્ર સાથે નારીગૃહમાં જવા નિર્ણય લીધો હતો.

પ્રથમ લગ્ને છુટાછેડા બાદ મહિલાએ તેનાથી ડબલ ઉંમરના યુવાન સાથે પુન:લગ્ન કર્યા હતા. જોકે, લગ્નેતર સંબંધો ધરાવતા પતિએ લગ્નના ગણતરીના મહિનાઓમાં રંગ બતાવી નાની મોટી વાતે મહિલાને માર મારતો હતો. બે દિવસ પૂર્વે ઘરમાં રૂમ બંધ કરીને માર મારનાર પતિએ 2 વર્ષના પુત્ર સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકતાં તેના માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઉભી થઇ હતી.

આખીરાત દુકાનના પાટિયે વિતાવનારી મહિલા બાળ સુરક્ષા કચેરીએ પહોંચતાં તેને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આવેલા મહિલા સહાયતા કેન્દ્રમાં મોકલી હતી. અહીં કાઉન્સીલર નિલમબેન પટેલે તેણીના પતિ અને પિતાને બોલાવી પોતાની સાથે લઇ જવા સમજાવ્યા હતા. જોકે, બંનેએ સાથે રાખવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં મહિલાએ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આવેલા સખી વનસ્ટોપ સેન્ટરમા પાંચ દિવસ રોકાઇ પાટણ સ્વધારગૃહમાં જવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...