અઘારમાં 10 વર્ષ જૂના હુમલા કેસમાં પિતાને 1 વર્ષ , પુત્રને 6 માસની કેદ
પાટણ તાલુકાના અઘાર ગામે 10 વર્ષ અગાઉ ખેતરાના શેઢા પર પાણી લઇ જવાની નેક (ખાડા વાળો રસ્તો) બનાવવા મામલે ખેતર માલિકના પરિવાર પર સેઢા પાડોશી ( બાજુના ખેતર માલિક) દ્વારા હુમલાની ઘટના બની હતી. જેનો કેસ મંગળવારે સર\\\'સ્વતી જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે એક આરોપીને એક વર્ષ અને બીજા આરોપીને છ માસ સાદી કેદ અને દંડની સજા ફટકારી હતી. જ્યારે બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા.
7 ડિસેમ્બર 2008 ના રોજ પાટણ તાલુકાના અઘાર ગામે ઠાકોર કુરાજી ધીરાજી તેમના ખેતરમાં કામ કરતા હતા. ત્યારે બાજુના ખેતર વાળા ઠાકોર રતુજી વિરસંગજી આવીને બંનેના ખેતર વચ્ચેના શેઢા પર કુરાજીના ખેતર બાજુ પાણી લઇ જવાની નેક બનાવી રહ્યા હતા. તેથી કુરાજીએ તમારા ખેતર બાજુના શેઢા પાસેથી તમારા ખેતરમાં પાણી આવે છે તો મારી બાજુ કેમ નેક બનાવી રહ્યા છો તે કહેતાં રતુજી વિરસંગજીએ ઉશ્કેરાઇ જઇ તેમની પાસેની લાકડી કુરાજીના ડાબી બાજુના કાંઠલા પર મારતાં કાંઠલો ભાગી ગયો હતો. રતુજીના દીકરા અરવિંદજી, બોડાજી અને બકાજીએ પિતાનું ઉપરાણુ લઇ આવી કુરાજીના પત્ની સદાબેનના પાંસળીના ભાગે, દીકરા બચુજીને જમણા હાથ અને કમરના ભાગે છરીથી ઇજાઓ કરી હતી. આ ઘટના અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
આ ઘટનાનો કેસ સરસ્વતી જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ (ફ.ક)કોર્ટમાં ચાલી જતાં એપીપી એમ.પી. ચૌધરી તેમજ બચાવ પક્ષના વકીલની રજૂઅાતો બાદ આઠ મૌખિક પુરાવા અને હથીયાર પંચનામું, ડોકટરના મેડીકલ સર્ટીફિકેટ ધ્યાને લઇ સરસ્વતી કોર્ટના મેજિસ્ટ્રેટ એચ.જી.માલીએ આરોપી રતુજી વિરસંગજી ઠાકોર(50)ને ઇપીકો કલમ 325ના ગુનામાં તક્સીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદ અને રૂ.1000 દંડ ન ભરે તો વધુ 10 દિવસ સાદી કેદ, આરોપી બોડાજી રતુજી (28)ને ઇપીકો કલમ 324માં છ માસ સાદી કેદ અને રૂ. 500 દંડ ન ભરેતો વધુ 5 દિવસની સાદી કેદની સજા ફરમાવી હતી. કોર્ટે આરોપી અરવિંદજી(32) અને બકાજી(25)ને ઇપીકો કલમ 323 માં શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા. જ્યારે બે આરોપીઓને ઇપીકો કલમ 504,506(2)માથી શંકાનો લાભ આપી છોડી મુકયા હતા.