• Gujarati News
  • ગણેશ સ્થાપન બાદ ઠેરઠેર ઊજવણી

ગણેશ સ્થાપન બાદ ઠેરઠેર ઊજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં ગણેશચતુર્થીએ બજારમાર્ગ અબિલ ગુલાની છોળો સાથે ગણપતિ બાપા મોરયાના નાદથી ગૂંજી ઉઠ્યો હતો. બે દિવસમાં શહેરના બજારમાંથી નાની મોટી 2500 જેટલી મૂર્તિઓનું વેચાણ થયુ હતું. જેમાં દોઠથી બે ફૂટની માટીની મૂર્તિઓની અપેક્ષા કરતા ડિમાન્ડ વધુ રહેતા છેલ્લી ઘડીઓમાં સ્ટોક ખૂટી પડ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યુ હતું.

ગણેશવાડીમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા આયોજિત 138મા ગણેશોત્સવનો ભક્તિભાવથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 11.30 વાગ્યે વાજતે ગાજતે રાજુભાઇ દેવધરના નિવાસેથી પાલખીમાં ગજાદનને બિરાજમાન કરી શાસત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાનની સવારને ગણેશવાડી લાવવામાં આવી હતી. જ્યાં બપોરે 12 વાગ્યે શ્રી સ્થાપન કરી આરતીમાં દર્શનાર્થે શહેરીજનો ઉમટ્યા હતા. અનાવાડા રોડ પર ચિંતામણી ગણપતિ મંદિરમાં 18મા ગણેશોત્સવમાં બેટીવધાવોના સામાજિક મેસેજને જનસમુદાયમાં પ્રસરાવતી કૃતિમાં ગણેશજીની નયનરમ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ હતું. જ્યાં એડિશનલ કલેક્ટર રચિત રાજ, ગોરધનભાઇ ઠક્કર (બેબાશેઠ) નટવરભાઇ ખત્રી, જીતુભાઇ સાલવી, સંદીપભાઇ ખત્રી, કેન્દ્રીય ગુહમંત્રાલયના ડાયરેકટર શ્રીમતી પ્રવિણા, ટાસ્કફોર્સના કન્સલટન્ટ એસ.એસ.પ્રસાદની ઉપસ્થિતિમાં 11 દિવસીય ગણેશોત્સવને દર્શનાર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ગુર્જરવાડામાં રાત્રે પંચમુખી કોમ્પલેક્ષથી ગણપતિ ભગવાનની ઇકોફ્રેન્ડલી મૂર્તિને વાજતે ગાજતે મહોલ્લામાં લાવવામાં આવી હતી. જ્યાં ગુરુવારે સવારે પ્રભુની આરતી સાથે ગણેશ સ્થાપન કરી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જ્યારે ખાપગરાની પોળમાં આવેલ સિદ્વિવિનાયક ગણપતિ મંદિરના પૂ.દાદા અને ભક્તોજનો દ્વારા બગેશ્વર મંદિરથી ગણેશજીની મૂર્તિને શોભાયાત્રારૂપે પધરામણી કરીને મંદિરમાં સ્થાપન કરાયુ હતું. જ્યાં સતત 11 દિવસ ધાર્મિક અને સવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે રાજરત્ન ફલેટ સંકુલમાં ગણપતિની માટીની મૂર્તિનું અબિલ ગુલાલની છોડો વચ્ચે સ્થાપન કરવામાં આવ્યુ હતું યજમાનપદે ભાવિકભાઇ ગોસ્વામી, પીનાબેન તેમજ ફ્લેટના સૌ રહીશોએ ભગવાનની આરતી ઉતારવાનો લાહ્વો લીધો હતો. અત્રે તરૂણબેન પટેલ, આરતીબેન સોની, ગાયત્રીબેન સોની, કિન્નરીબેન ગાંધી સહિત ફ્લેટની બહેનો દ્વારા ગણેશોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. દેવકુટીર, ગજાનંદ સોસાયટી સહિત સોસાયટીઓ તેમજ મહોલ્લાઓના ચોક તેમજ ગણેશભક્તો દ્વારા શ્રી સ્થાપન કરવામાં આવ્યુ હતું.