પાટણમાં ડેન્ગ્યૂથી વિદ્યાર્થીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 દિવસ અગાઉ ટાઇફોઇડની બીમારી બાદ ડેન્ગ્યૂ જણાતાં અમદાવાદ ખસેડાયો

પાટણજિલ્લામાં ડેન્ગ્યૂએ પગપેસારો કર્યો છે. મૂળ પીંપળના વતની અને હાલ પાટણની રાજનગરી સોસાયટીમાં રહેતા યુવકનું ડેન્ગ્યૂથી મોત નીપજ્યું છે.

પાટણ શહેરના અંબાજીનગર નેળિયામાં આવેલી રાજનગરી સોસાયટીમાં માતા ગીતાબેન અને બહેન સાથે રહીને ટીવાય બીએસીમાં અભ્યાસ કરતા કૌશલ અશોકભાઇ દવે (20)ને દશ બાર દિવસ અગાઉ તાવ આવતાં પાટણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી. પણ શરૂઆતમાં ટાઇફોઇડની બીમારી જણાયા બાદ ડેન્ગ્યૂ પોઝિટિવ જણાતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં 6 દિવસની સારવાર કરાયા છતાં તેને બચાવી શકાયો નહોતો અને શનિવારે સવારે તેનું મોત થયું હતું. કૌશલની સારવાર સાથે રહીને કરાવતા પારિવારીક તબીબ અમદાવાદના ડો.પી.સી. રાવલે જણાવ્યા મુજબ, કૌશલને ડેન્ગ્યૂ પોઝિટિવ હતો અને પ્લેટલેટ ઘટીને 53000 અને 20000 થઇ ગયા હતા. શરદી કફનો પહેલો ડેન્ગ્યૂ તો સામાન્ય દવામાં પણ મટી જાય છે પણ તે પછીનો ડેન્ગ્યૂ મટતો નથી.વિધવા માતાનો સહારો છીનવાયો

મૃતક કૌશલના પિતા હયાત નથી. વિધવા માતા જાત મહેનત મજૂરી કરીને ભણાવી રહ્યા હતા. એક બહેન પણ કુંવારી છે, જેની જવાબદારી પણ તેના માથે હતી પણ તેના મૃત્યુથી બે બહેનોએ એકનો એક ભાઇ અને માતાએ વૃધ્ધાવસ્થાની લાઠી ગુમાવી હતી.

4 મહિનામાં ડેન્ગ્યૂનો નવો એક પણ કેસ તંત્રના ચોપડે નથી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સતીષ મકવાણાએ જણાવ્યું કે, જિલ્લામાં 4 મહિનામાં ડેન્ગ્યૂનો એકપણ કેસ મળ્યો નથી. તે અગાઉ 4 કેસો પ્રકાશમાં આવ્યા હતા. પાટણના યુવકના મોતની ખબર નથી. છતાં આરોગ્ય તંત્રની ટીમ કાર્યરત કરાશે. જોકે, મને જે જાણકારી મળી છે તે મુજબ યુવકનું કમળાના લીધે મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...