તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીને કટાર મારનાર પતિને 2 વર્ષની કેદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં આઠ વર્ષ અગાઉ અણબનાવના લીધે અલગ રહેતી પત્નીએ સમાધાન માટેનો ઇન્કાર કરી દેતા પતિએ કટાર વડે હુમલો કરીને ઇજા પહોચાડી હતી જે ઘટનાનો કેસ અત્રેની ચીફ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી. જોકે કેસમાં પતિ પત્ની વચ્ચે ભવિષ્યે સમાધાન થઇ શકે અને તેમના નાના બાળકના ભવિષ્ય પર અસર પડે તે હેતુથી સજા અોછી કરાઇ હોવાની નોંધ અદાલતે ચુકાદામાં કરી હતી.

પાટણ શહેરના મોટીસરાય વિસ્તારના રહીશ વિનયભાઇ નરસીંહભાઇ સોલંકી (36) અને તેમના પત્ની નીતાબેન વચ્ચે અણબનાવ હોવાથી તેણી ચાણસ્મા ખાતે સરકારી કવાર્ટરમાં રહે છે.

તેઓ 11 માર્ચ 2008 ના રોજ તેઓ ફરજ પર ચાણસ્મા ખાતે હતા ત્યારે તે વખતે તેમના પતિ વિનયભાઇએ તેઓને દિકરા સ્મિતને લઇને પાટણ બસસ્ટેન્ડે બોલાવતા દિકરાને મળાવવા અડધી રજા મૂકીને કવાર્ટર પર કામ કરતા પુષ્પાબેન સાથે પાટણ આવેલ હતા જ્યાં તેમના પતિ તેમને ગાંધીબાગમાં લઇ ગયા હતા અને આપણે સમાધાન કરી લઇએ તેમ કહેતાં પત્નીએ છુટાછેડા લેવા છે અને સમાધાન કરવું નથી તેવું જણાવતા વિનયભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમની ફેંટમાંથી કટાર કાઢીને પત્નીને ગળાના અને પેટના ભાગે મારતાં ઇજાગ્રસ્ત મહિલાને પાટણ સીવીલમાં લઇ જવાતા ત્યાંથી મહેસાણા સીવીલમાં રીફર કરાયા હતા. જે ઘટના અંગે પતિ વિનય કુમાર સામે ગુનો નોધાયો હતો.

સરકારી વકીલ બી.અેમ.ઠાકોરે દલીલો કરી હતી અને સખત સજા કરવા રજુઆત કરી હતી જેમાં ચિફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દેવેન્દ્ર એસ.જોષીએ બંને પક્ષોને સાંભળી આરોપીને કલમ 324 ના ગુનામાં 2 વર્ષ સાદી કેદ અને રૂ.2000 દંડ ભરેતો વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવા ફરમાન કર્યુ હતું. જ્યારે અન્ય ગુનાઓમાંથી નિર્દોષ છોડી મૂકાયા હતા.જોકે આરોપીને અપીલમાં જવાનું હોઇ જામીન અરજી થતાં રૂ.5000ના જામીન પર છોડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...